Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કોર્પોરેટરોના બજેટમાં ૧૩ લાખનો જંગી વધારો કરાયો

કોર્પોરેટરોને બખ્ખાં કરાવાયા

અમદાવાદ, તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ શાસક પક્ષ ભાજપ દ્વારા આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરાયેલા બજેટમાં કોર્પોરેટરોને પણ બખ્ખાં કરાવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કાઉન્સીલરોને તેમના વોર્ડના વિકાસકામો માટે વાર્ષિક રૂ.૧૭ લાખના બજેટ ફાળવણીની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તને વહીવટી પાંખે સુધારી તેમાં રૂ.૧૩ લાખનો જંગી વધારો કર્યો હતો. એટલે કે, મ્યુનિસિપલ કાઉન્સીલરોને વાર્ષિક રૂ.૩૦ લાખની બજેટની ફાળવણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે અને આ માટે શાસક પક્ષે બજેટમાં રૂ.૨૪.૯૬ કરોડની વિશેષ જોગવાઇ કરી હોવાની વાત સામે આવી છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાવાની છે

            ત્યારે પોતાના વોર્ડ અને મતવિસ્તારમાં પ્રજાનો સાથ સહકાર અને મતદાન દરમ્યાન મતદારોની વોટીંગ ફેવર મળી રહે તે માટે મ્યુનિસિપલ કાઉન્સીલરો તરફથી શાસક પક્ષના કાને તેમના બજેટમાં વધારો કરવાની વાત પણ નાંખવામાં આવી હતી, જેને ધ્યાને લઇ શાસક પક્ષ ભાજપ દ્વારા યુનિસિપલ કાઉન્સીલરોના બજેટમાં નોંધપાત્ર વધારો કરી આપવામાં આવ્યો છે. શહેરના ૪૮ વોર્ડમાં ચૂંટાયેલા ૧૯૨ મ્યુનિસિપલ કાઉન્સીલરો પોતાના મતવિસ્તારમાં પ્રજાલક્ષી પ્રાથમિક જરૂરિયાતોના વિકાસ કાર્યો કાઉન્સીલર બજેટ ફાળવણી દ્વારા અગ્રીમતાના ધોરણે કરી શકે તે હેતુથી મ્યુનિસિપલ કાઉન્સીલરોને વાર્ષિક રૂ.૧૭ લાખ બજેટ ફાળવવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કરી હતી, જો કે, આ બજેટમાં રૂ.૧૩ લાખનો વધારો કરી શાસક પક્ષ ભાજપ દ્વારા આજના બજેટમાં વાર્ષિક રૂ.૩૦ લાખ મ્યુનિસિપલ કાઉન્સીલરોને ફાળવવા ઠરાવવામાં આવ્યું હતુ. આ માટે શાસક પક્ષ દ્વારા બજેટમાં વિશેષ પ્રકારે રૂ.૨૪.૯૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

(9:29 pm IST)