Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નાયબ કલેક્ટર, નિવાસી અધિક કલેકટર સહિત ૩ તરત સસ્પેન્ડ

રાજય સરકારનો જોરદાર શિક્ષાત્મક સપાટો : રાજ્ય સરકારના સસ્પેન્શનના નિર્ણયને પરિણામે સરકારી અધિકારીઓ-કર્મીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ

અમદાવાદ, તા.૭ : રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની બે હજાર વીઘા જેટલી સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ, સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી દેવાયા છે. રાજય સરકારના આ શિક્ષાત્મક સપાટાને પગલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ચોટીલાની બે હજાર વીઘા જેટલી સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરવાના સમગ્ર કૌભાંડમાં ચોટીલાના તત્કાલીન નાયબ કલેકટર, સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેકટર અને ઇન્ચાર્જ મામલતદારની ભૂમિકા સામે આવી હતી. જેની સરકાર દ્વારા ગંભીર નોંધ લેવાઇ હતી. રાજયના મહેસૂલ વિભાગે સરકારની આંખમાં ઘૂળ નાંખવાના પ્રયાસ સમાન ખાનગી ઇસમોના મેળાપી૫ણામાં કરવામાં આવેલા આ ગુનાહિત કૃત્યની તપાસ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અને તેમા સંડોવાયેલા મહેસૂલી અઘિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવાયા હતા. જેને પગલે રાજયભરના સરકારી અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સરકારે આ મહત્વના નિર્ણય મારફતે રાજયના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર નાથવાનો સાફ સંદેશો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ ચન્દ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેડ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર કાર્યરત છે. રાજય સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાક્રમની તપાસ એ.સી.બી. મારફતે કરવાના આદેશો પણ જારી કરાયા છે. એટલું જ નહીં આ જવાબદાર અધિકારીઓ સામે સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી કડક પગલાં લેવાના આદેશો પણ રાજ્ય સરકારે કર્યા છે, જેને પગલે સરકારી અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.

(8:30 pm IST)