Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સિંહ મોત મામલે હાઇપાવર કમિટિની રચના કરવા હુકમ

હાઇકોર્ટ દ્વારા સરકારને મહત્વપૂર્ણ સૂચન કરાયુ : સિંહોના મોતને લઇ હાઇકોર્ટે સંવેદના વ્યકત કરી નિષ્ણાત તજજ્ઞો અને જનતાની પાસે સૂચનો મંગાવવા તાકીદ કરી

અમદાવાદ,તા.૭ : ગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલા મહત્વપૂર્ણ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે સિંહોના મોત મામલે એક હાઇપાવર કમીટીની રચના કરવા નિર્દેશ કર્યો હતો. સિંહોના મોતને લઇ હાઇકોર્ટે ભારે સંવેદના વ્યકત કરી રાજય સરકારને મહત્વપૂર્ણ સૂચન કરવાની સાથે સાથે આ મામલે નિષ્ણાત તજજ્ઞો અને આમજનતા પાસેથી પણ સૂચનો મંગાવવા તાકીદ કરી હતી. એટલું જ નહી, ગીર અભયારણ્યની પાસે રેલ્વે ક્રોસીંગ પસાર કરવા દરમ્યાન અકસ્માતે મોતને ભેટતાં સિંહો અને સિંહબાળના રક્ષણ માટે એલિવેટેડ રેલ્વે કોરીડોર શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી હાઇકોર્ટે તે દિશામાં પણ યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૭મી ફેબ્રુઆરી પર મુકરર કરી છે. ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે થોડા મહિનાઓ પહેલાં જ સુઓમોટો રિટ દાખલ કરી હતી અને આ મામલે રાજય સરકાર, રેલ્વે મંત્રાલય સહિતના પક્ષકારો પાસેથી જરૂરી જવાબ માંગી કેસની સુનાવણી હાથ ધરી હતી.  આ કેસમાં હાઇકોર્ટે કોર્ટ સહાયકની પણ નિમણૂંક કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટનું એ મુદ્દે ખાસ ધ્યાન દોરાયું હતું કે, ગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહોના નોંધપાત્ર મોત રેલ્વે ક્રોસીંગ પર પસાર થતી વખતે અકસ્માતે નોંધાયા છે. દેશના ઉત્તરાખંડના જીમ કોરબેટ, પશ્ચિમ બંગાળના સુંદરબંસ અને મધ્યપ્રદેશના કાન્હા અભયારણ્ય પાસે વન્ય જીવોની રક્ષા માટે રેલ્વે કોરીડોર બનાવાયા છે, તો ગીરમાં કેમ નહી ?એવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને હાઇકોર્ટે ગંભીરતાથી લઇ આ મામલે મહત્વના નિર્દેશ જારી કર્યા હતા કે, સિંહોના રક્ષણ માટે એલિવેટેડ રેલ્વે કોરીડોર બનાવવાની દિશામાં પણ પ્રયાસો થવા જોઇએ. જેથી રેલ્વે મંત્રાલયના વકીલે જણાવ્યું હતું કે, તેઓ આ સૂચનને રેલ્વે બોર્ડ સમક્ષ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજય સરકાર તરફથી િંસંહોના રક્ષણ માટે અમેરિકાથી મંગાવેલી વેકસીન, કૂવામાં સિંહો પડી ના થાય તે માટે તેની ફરતે પાળા બાંધવા સહિતના લીધેલા પગલાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. જો કે, સિંહોના મોતના મામલાને હાઇકોર્ટે ગંભીરતાથી લઇ આજે મહત્વપૂર્ણ નિર્દેશમાં સરકારપક્ષને આ અંગે હાઇપાવર કમીટીની રચના કરવા સૂચન કર્યું હતું.

 

(8:29 pm IST)