Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

હાર્દિક - જીજ્ઞેશ - અલ્પેશ ભાજપનું બ્લડપ્રેશર વધારે તેવી શકયતા : ત્રિપુટી લડશે ચૂંટણી

પાટણ - રાધનપુર - અમરેલી બેઠક પસંદ કરશે?

નવી દિલ્હી તા. ૭ : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી આગામી લોકસભાની ચૂંટણી લડે તેવી શકયતા છે. જો આ ત્રણેય ચૂંટણી લડે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે.

ગુજરાત સરકાર સામે પોતાના સમાજ માટે આંદોલન કરનારા રાજયના ત્રણ યુવા કાર્યકરો હવે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શકયતા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ, રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાજપને હરાવવા ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.

હાર્દિક પટેલના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'મહાગઠબંધન'ના નેતાઓએ વારાણસી બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલને કહ્યું હતું. વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા જયાં તેમને ૩.૩૭ લાખ વોટ મળ્યા હતા.

પાસ કાર્યકર ધાર્મિક માલવિયાએ કહ્યું કે, 'થોડા દિવસ પહેલા યોજાયેલી પાસની બેઠકમાં હાર્દિક પટેલે મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવી જોઇએ તેવી ચર્ચા થઇ હતી.કોર્ટના ઓર્ડર પ્રમાણે તે મહેસાણામાં પ્રવેશ ન કરી શકે તેમ હોવાથી આ બેઠક પરથી ચૂંટણી લડવી મુશ્કેલ છે. મહેસાણા પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર છે. હાર્દિક પટેલે જયારે કોર્ટમાં હાજરી આપી ત્યારે તેણે કોર્ટમાં કહ્યું હતું કે જો તેને મહેસાણાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે તો ત્યાંની શાંતિ નહીં ડહોળાય. જો કોર્ટ હાર્દિક પટેલની ફેવરમાં સુનાવણી કરશે તો મહેસાણા પરથી ચૂંટણી લડી શકે છે.'

પાસ આગેવાનો હાર્દિક પટેલ અમરેલીથી ચૂંટણી તેમ ઇચ્છી રહ્યા છે, પરંતુ પાસ નેતા અલ્પેશ કથીરિયા પણ ત્યાંથી ચૂંટણી લડવાનો વિચારી રહ્યા છે. ધાર્મિક માલવિયાએ કહ્યું કે, 'હાર્દિક પટેલ કડવા પાટીદાર છે જયારે અમરેલીમાં રહેતા મોટાભાગના પાટીદારો લેઉવા છે એટલે જીત મળશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે.'

હાર્દિક પટેલે કહ્યું કે, 'જો લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પાટીદારોને ૧૦ ટકા EBC અનામત આપશે તો જ હું ચૂંટણી લડીશ. હું લોકસભાની ચૂંટણી લડીશ કે વિધાનસભાની તે અંગે હજુ સુધી મેં કોઇ વિચાર કર્યો નથી. હું ખેડૂતો, યુવાનો તેમજ પછાત સમાજનાં લોકોના મુદ્દાઓને ઉઠાવવા માંગુ છું, હું તેમનાં માટે જરૂરથી ચૂંટણી લડીશ.'

તો બીજી તરફ જીગ્નેશ મેવાણી વારંવાર કચ્છની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, 'દલિત અને મુસ્લિમ સમાજના લોકો હું કચ્છથી ચૂંટણી લડું તેમ ઇચ્છી રહ્યા છે, જો કે મેં તે પ્રપોઝલને નકાર્યું છે.' જો કે મેવાણીના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેવાણી લોકસભાની ચૂંટણીમાં પોતાની માટે ટિકિટ સિકયોર રાખવા માટે ગુજરાતથી દિલ્હી આંટાફેરા કરી રહ્યા છે.

ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 'મારી પાર્ટી હું પાટણ બેઠક પરથી ચૂંટણી લડું તેમ ઇચ્છી રહી છે, જો કે મેં આ વિશે હજુ સુધી વિચાર્યું નથી.'(૨૧.૨૮)

(3:08 pm IST)