Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ખેડૂતોને ૧૦૧૦ કરોડની ઇનપુટ સબસીડી ચુકવાઈ

નીતિન પટેલ દ્વારા જાહેરાત

અમદાવાદ,તા.૬ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ખેડુતોની હિતને વરેલી રાજ્યસરકારે અનેકવિધ ખેડુતલક્ષી નિર્ણયો કરીને ખેડુતોને સહાય પુરી પાડી છે. તદ્ અનુસાર રાજ્યના ૪૫ અસરગ્રસ્ત તથા ૫૧ દુષ્કાળગ્રસ્ત તાલુકાના ખેડુતોને ૧૦૧૦ કરોડની ઈનપુટ સબસીડી ચુકવી દેવામાં આવી છે. પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ૫૧ તાલુકાના ૫.૯૫ લાખ ખેડુતોને ૬૧૦.૦૯ કરોડ તથા ૪૫ તાલુકાના ૪.૭૭ લાખ ખેડુતોને ૪૦૦ કરોડની ચુકવણી કરવામાં આવી છે. તેમજ પશુઓને જરૂરીયાત મુજબ ઘાસચારો તથા યુવાનોને રોજગારી માટે મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાથી ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓને રાજ્યસરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતાં. તેમજ ૨૫૦ થી ૪૦૦ મિ.મી. સુધી વરસાદ થયો હોય તેવા ૧૬ જિલ્લાના ૪૫ તાલુકાઓને અસરગ્રસ્થ જાહેર કરાયાં હતાં.

(9:36 pm IST)