Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ચાર રસ્તા, બ્રીજ પર પાર્કિંગ કરવું ખતરા સમાન છે : કોર્ટ

સરકાર-ટ્રાફિક પોલીસને કાર્યવાહી કરવા તાકીદઃ રસ્તા રીસરફેસ કરતી વેળા લેવલ સરખુ રાખવા કોર્ટની તાકીદ : રીસરફેસીંગમાં લાપરવાહીથી અકસ્માતનો ભય

અમદાવાદ,તા. ૭, શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની જાહેરહિતની રિટ અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ તંત્ર અને રાજય સરકારને ઉદ્દેશીને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. જે મુજબ, શહેરના ચાર રસ્તાઓ અને પુલો પર ગેરકાયદે રીતે પાર્ક કરાતા અથવા તો ઉભા રાખવામાં આવતાં વાહનો ગંભીર ખતરા સમાન છે અને તે અકસ્માતને નોંતરે છે તેથી આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે સત્તાવાળાઓને નિર્દેશ કર્યો છે. સાથે સાથે શહેરના બિસ્માર રસ્તાઓ રીપેર કરતી વખતે તેનું લેવલીંગ ખાસ જાળવવા ખાસ કરીને રસ્તાની બંને બાજુની કિનારી વ્યવસ્થિત રીસરફેસ કરવા કે જેથી અકસ્માત ના થાય તે પ્રકારની કામગીરી કરવા હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને તાકીદ કરી હતી. કારણ કે, રસ્તાઓ રીસરફેસીંગના કારણે તેની ઉંચાઇ વધી જતી હોય છે અને તેના કારણે રોડનું લેવલ વધી જતાં રોડની બંને બાજુની કિનારી અક્સ્માત સર્જે તેવી બની જતી હોય છે. તેથી અમ્યુકો સત્તાવાળાઓએ રોડ-રસ્તાઓ રીસરફેસ કરતી વખતે લેવલ સરખુ જાળવવુ કે જેથી અકસ્માત નિવારી શકાય. આજની સુનાવણી દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અદાલત સમક્ષ રૃબરૃ હાજર રહ્યા હતા અને અમ્યુકો તરફથી બિસ્માર રસ્તાઓના રીપેરીંગ અને પેચ વર્ક અંગેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે રીસફરેસીંગને લઇ લેવલ બરોબર ના જળવાયું તેવા રસ્તાઓના ઉદાહરણ તરીકે પ્રહલાદનગરથી સો ફુટ તરફનો રોડ અને માણેકબાગના રસ્તાના દાખલા અમ્યુકો સત્તાવાળાઓને આપ્યા હતા. અરજદાર પક્ષ તરફથી શહેરના બિસ્માર થયેલા ૧૯૭૧ રસ્તાઓ પૈકી કેટલા રસ્તાઓ રીપેર કરવામાં આવ્યા તેની વિગતો અને ખુલાસો માંગવા માંગણી કરાઇ હતી. દરમ્યાન કેસની સુનાવણી દરમ્યાન આજે હાઇકોર્ટે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના મુદ્દે ટ્રાફિક પોલીસ તંત્ર અને સરકારના સત્તાવાળાઓને ઉદ્દેશીને બહુ ગંભીર ટકોર કરતાં જણાવ્યું હતું કે, શહેરમાં ચાર રસ્તાઓ અને પુલો પર ગેરકાયદે રીતે ઉભા રખાતા અથવા તો પાર્ક થતા રીક્ષા, બસ સહિતના વાહનોને લઇ ગંભીર અકસ્માતો સર્જાવાની સ્થિતિ બનતી હોય છે, તેથી આ પરિસ્થિતિ નિવારવા ટ્રાફિક પોલીસ અને સંબંધિત સત્તાવાળાઓએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી. કોર્ટે એવી પણ હળવી ટકોર કરી હતી કે, ઘણીવાર રીક્ષામાં ડ્રાઇવર સીટ પર એટલા મુસાફરો બેસાડાય છે કે, ખબર જ ના પડે કે, ડ્રાઇવર કોણ છે અને બ્રેક કોણ મારશે. એટલું જ નહી, શહેરમાં આડેધડ કરાતાં પાર્કિંગને લઇ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઘણી વિકટ બની છે ત્યારે ટ્રાફિક સત્તાવાળાઓએ અસરકારક પગલા લેવાના રહેશે. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના મુદ્દે પણ હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ સમસ્યાનો સરકારે કાયમી ઉકેલ લાવવો જોઇએ. કેટલાક લોકો નારાજ થાય તો પણ જાહેરહિતમાં સરકારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવુ જ રહ્યું. શહેરની ૫૦ ટકા પોલીસ તો આ સમસ્યાના નિરાકરણમાં રોકાયેલી રહે છે. મહારાષ્ટ્રની જેમ લાયસન્સ પ્રથા પણ અહીં દાખલ કરવાની દિશામાં વિચારી શકાય. આ મામલે કાયમી નિરાકરણના વિકલ્પો અંગે અદાલતને જાણ કરવા હાઇકોર્ટે સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.

(10:03 pm IST)