Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડોદરા પોલીસને ૫ મહિનાનો રજા પગાર નહિં મળતા દેકારો : ગ્રાન્ટ નહિં મળતા ૩ કરોડનો રજા પગાર બાકી

વડોદરા પોલીસના જવાનો હકના રજા પગાર માટે વલખા મારી રહ્યા છે પરંતુ તેમનુ કોઇ સાંભળનાર નથી.

વડોદરા પોલીસના ૨ હજાર જેટલા જવાનો પૈકી મોટાભાગના જવાનો રજાને દિવસે પણ ફરજ બજાવતા હોય છે.જેના બદલામાં તેમને રજા પગાર આપવામાં આવે છે.રજા પગાર માટે હકદારમાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને આસી.સબ ઇન્પેકટરનો સમાવેશ થાય છે.

પોલીસ વિભાગમાં ભરતી થઇ ફિકસ પગાર પર ફરજ બજાવતા જવાનોને પણ એક દિવસની રજાનો ફિકસ રૂા.૧૫૦ લેખે પગાર ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા  પાંચ મહિનાથી રજાના પગાર માટેની રકમ અટવાતા તેઓની મુશ્કેલી વધી ગઇ છે.

વડોદરા પોલીસના જવાનોને છેલ્લા પાંચ મહિનાથી રજા પગારની રકમ મળી નથી.અસંતોષનો ચરૂ ઉકળે એટલે એકાદ-બે મહિનાનો પગાર તેમને ચૂકવી દેવામાં આવે છે. જેને કારણે વાર-તહેવાર તેમજ કોઇ પણ સરકારી કાર્યક્રમ,નેતાઓની સરભરા જેવા પ્રસંગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટેની અંદાજે રૂા.૩ કરોડની બાકી રકમ સરકાર ચૂકવતી નથી. ગ્રાન્ટ મળશે ત્યારે રજા પગાર ચૂકવાશે તેવો જવાબ અપાઇ રહ્યો છે.

(6:20 pm IST)