Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગાંધીનગર નજીક બોરીજ ગામમાં મુસાફરો ભરેલ રીક્ષા 100 ફૂટ ઊંડી કોતરમાં ઉથલી પડતા અફડાતફડી

ગાંધીનગર:શહેર નજીક આવેલા બોરીજ ગામમાં રહેતી મહિલાઓ રીક્ષામાં બેસી ચિલોડા તરફ જઇ રહી હતી. તે દરમિયાન રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડમાં ૧૦૦ ફુટ ઊંડી કોતરમાં રીક્ષા ઉથલી પડી હતી. જેના પગલે મહિલાઓને તેમજ ચાલકને ઇજાઓ થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજમાં રહેતી મહિલાઓ રોજીંદા નિત્યક્રમ પ્રમાણે રીક્ષામાં બેસીને ચિલોડા તરફ લાકડા વિણવા માટે જઇ રહી હતી. બપોરના ર વાગ્યાના અરસામાં તેની રીક્ષા નં.જી.જે. ૧૮.એ.વી. ૮૩૮૨ના ચાલકે સ્ટેયરીંગ ઉપરના કાબુ ગુમાવતાં ચિલોડા બ્રીજ પહેલાં રોડ સાઇડમાં રહેતી નદીની કોતરમાં રીક્ષા ઉથલી પડી હતી. ૧૦૦ ફુટ ઊંડે આ રીક્ષા પહોંચી ગઇ હતી. રીક્ષામાં સવાર છ મહિલાઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જે પૈકી સજનબેન અને સવિતાબેનને વધુ ઇજાઓ પહોંચતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સજનબેનની તબીયત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 


 

(6:11 pm IST)