Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અમદાવાદમાં દારૂનો વેપાર કરતા બિલ્ડર અને ર રાજસ્થાની વેપારીની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઇ રહયો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે દારૂ પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદમાં દારૂનો વેપાર કરનાર એક બિલ્ડર સહિત ગુજરાતમાં રોજ દારૂ ઠાલવી રહેલા રાજસ્થાનના દારૂના બે વેપારીઓને ધરપકડ કરી છે. જો કે આ ત્રણે આરોપીઓ પોલીસ સાથે લાંબા સમયથી સાત તાળીની રમત રમી રહ્યા હતા, પરંતુ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચના મતે આ મોટી ધરપકડ છે પણ દારૂના ધંધામાં આ પાસેરામાં પહેલી પુણી છે.

અમદાવાદમાં ઠેર ઠેર થઈ રહેલો દારૂના વેપાર કઈ રીતે થઈ રહ્યો છે અને અમદાવાદમાં કોણ દારૂ લાવી રહ્યું છે તેની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું ધ્યાન રખીયાલ વિસ્તારમાં રહેતા સંતોષ મારવાડી ઉપર કેન્દ્રીત થયું હતું. અમદાવાદ પોલીસના ચોપડે કયારેય સંતોષ મારવાડીની નોંધ સુધ્ધા નથી, છતાં તે કરોડો રૂપિયાનો દારૂનો વેપાર કરી રહ્યો હોવાની હકિકત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ચાવડાને મળી હતી.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે, સંતોષ મારવાડી લોકોને દેખાડવા માટે બીલ્ડીંગ કંસ્ટ્રકશનનું કામ કરે છે પણ ખરેખર કંસ્ટ્રકશનની આડમાં દારૂનો કારોબાર કરી રહ્યો છે. ત્રણ મહિના પહેલા અમદાવાદ નજીક ખોડિયાર પાસે અડાલજ પોલીસે બે કરોડનો વિદેશી દારૂ પકડી પાડયો હતો, જેમાં દારૂનો આ જથ્થો સંતોષ મારવાડીએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. જો કે અડાલજ પોલીસ તેને પકડી શકી ન્હોતી, ક્રાઈમ બ્રાન્ચે સંતોષ મારવાડી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેના ફોન ઉપર પણ સર્વેલન્સમાં મુકયા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા પોલીસ તેની ઉપર ત્રાટકી ત્યારે પણ સંતોષ પાસે ૧૮ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જયારે ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમ પણ ગુજરાતમાં દારૂ મોકલી રહેલા ચિરાગ અને સુનીલ દરજી નામના રાજસ્થાના દારૂના વેપારીની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર સુવેરાએ તપાસ કરતા હકિકત મળી હતી કે ચિરાગ અને સુનિલ રાજસ્થાનની હદમાં બીછુવાડામાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું, જયાં તે રાજસ્થાનના ઠેકેદારો પાસેથે ગેરકાયદે દારૂ લાવી આ ગોડાઉનમાં સંતાડી રાખતા હતા અને ગુજરાતમાં દારૂ ખરીદવા માગતા નાના વેપારીઓ જીપ જેવા નાના વાહનો લઈ બીછુવાડા આવતા અને તેઓ નાના વાહનો દ્વારા દારૂ ગુજરાત લઈ આવતા હતા.

સુનિલ અને ચિરાગ સામે ગુજરાતના અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિત અનેક પોલીસ સ્ટેશમમાં ગુનાઓ નોંધાયા હતા, પણ હજી સુધી તેઓ પોલીસને થાપ આપવામાં સફળ રહેતા હતા, દરમિયાન બીછુવાડા પોલીસને સુનિલ અને ચિરાગના આ ગોડાઉન અંગે જાણ થતાં રાજસ્થાન પોલીસે તેમના ગોડાઉન ઉપર દરોડો પાડયો હતો, ત્યારથી તેઓ રાજસ્થાન છોડી ભાગી નિકળ્યા હતા, ઈન્સપેકટર સુવેરાને જાણ થઈ હતી કે સુનિલ અને ચિરાગ અમદાવાદ આવ્યા છે અને ચોક્કસ માહિતીને આધારે તેમણી પકડી લીધા હતા.

(6:04 pm IST)