Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કુવિખ્યાત બુટલેગર અશોક પાલનપુરી ૩૩ જગ્યાએ મિલ્કત ધરાવતો હોવાનો ધડાકોઃ ઇડીને રીપોર્ટ

સીઆઇડી વડા આશિષ ભાટીયાઅને આઇજી નરસિંમ્હા કોમારના માર્ગદર્શન હેઠળની તપાસમાં નવો વણાંક : ૩ કરોડ ૧ર લાખ પ૭ હજાર ૯૪પનો મુદામાલ કબ્જેઃ ૬ બેંકમાં ૧૪ ખાતાઃ મોટા પાયે રોકડ ટ્રાન્જેકશન થયાનું ખુલ્યું

રાજકોટ, તા., ૭: વડોદરા શહેર અને ગ્રામ્ય પંચમહાલ જીલ્લો અને ભરૂચ જીલ્લામાં સક્રિય એવા કુવિખ્યાત બુટલેગર અશોક રમણભાઇ પરમાર ઉર્ફે અશોક પાલનપુરી (રહે.પાલનપુર, તા.હાલોલ, જી. પંચમહાલ) કે જેઓ લીસ્ટેડ બુટલેગર તરીકે જાણીતા છે. તેઓની સર્વાગી તપાસ કરવાની જવાબદારી સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાને સુપ્રત થતા જ આ ગંભીર પ્રકારની તપાસ સીઆઇડીના આઇજીપી નરસિમ્હા કોમારના સુપર વિઝનમાં કરાવતા જ ઉકત બુટલેગર પાસે અધધધ રકમ અર્થાત કરોડોની મિલ્કત હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

સદરહું આરોપી સામે કુલ ૭૪ જેટલા ગુન્હાઓ દાખલ થયા છે. નાસતા ફરતા આરોપીઓને પંચમહાલ પોલીસે ગત પ-પ-ર૦૧૭ના રોજ ધરપકડ કરી સીઆઇડી ક્રાઇમને સુપ્રત કરેલ.

સીઆઇડી વડા આશીષ ભાટીયા અને આઇજી નરસિંમ્હા કોમારની પ્રાથમીક તપાસમાં જ આરોપીની વિવિધ શહેર-જીલ્લાઓમાં કરોડોની મિલ્કત ધરાવતા હોવાનું ખુલવા સાથે તેની પાસે સ્થાયી પ્રકારની મકાન, જમીન સહિતની પ્રોપર્ટી હોવાનું બહાર આવતા જ સીઆઇડી વડાએ ઇડીને આ બાબતે જાણ કરી મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી અંગે તાકીદનો રિપોર્ટ કર્યો છે. તુર્તમાં જ ઇડીની ટીમ સીઆઇડી ક્રાઇમના હેડ કવાર્ટરે આવી રહયાનું જાણવા મળે છે.

સીઆઇડી તપાસ દરમિયાન આરોપી વિરૂધ્ધ પોલીસે ગેરકાયદે દારૂ, વાહનો, રોકડ, મોબાઇલો વિગેરે મળી ૩ કરોડ ૧ર લાખ પ૭ હજાર ૯૪પનો મુદામાલ કબ્જે કરેલ છે. સીઆઇડી સુત્રોના કથન મુજબ આરોપી પરીવારના સભ્યોના નામે ૧૪ જેટલા ખાતાઓ ધરાવે છે. જેમાં આજ દિવસ સુધી રોકડમાં પણ મોટા ટ્રાન્જેકશન થયાનું ખુલ્યું છે. હાલમાં તમામ ખાતાનું રોકડ બેલેન્સ રર લાખ જેટલું હોવાનું જાણવા મળે છે. ૩૩ જેટલી સ્થાવર મિલ્કત ધરાવતા આ કુવિખ્યાત બુટલેગર સામે ઇડી કેવી કાર્યવાહી કરે છે તે તરફ મીટ મંડાઇ છે.

(4:22 pm IST)