Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

૭૦ ટકા હોટલો, રેસ્ટોરન્ટ 'પોલીસ પરવાના' વગરના!

કાયદા ભંગ માટે પોલીસ જવાબદારઃ ફી માત્ર રૂ. ૧૫૦ પણ લાઇસન્સ મેળવવા થતાં ૫૦,૦૦૦ રૂપિયાના ખર્ચ કરતા પોલીસને 'મફત' ખવડાવવું સસ્તું પડે! : હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ ઉપર 'કાયદાનો અંકુશ' ન હોય તો ચિંતાજનક સ્થિતિ સર્જાવાની પોલીસને ભીતિ : પોલીસનો 'જઠરાગ્નિ' શાંત ન પડાય તો કોઇ-કોઇ પરેશાની સહન કરવી પડે

અમદાવાદ તા. ૭ : એક તરફ રેસ્ટોરન્ટ, હોટલોના ધંધાર્થીઓ અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ પોલીસ પરવાનો એટલે કે લાઈસન્સ પ્રથા રદ કરવાની માંગણી કરી રહ્યાં છે. કાયદો રદ કરવાની ગુજરાત સરકારે આપેલી ખાતરી ઉપર આ ધંધાર્થીઓને ભરોસો છે. પણ, એક ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં ૭૦ ટકા હોટલો, રેસ્ટોરન્ટસ પોલીસ પરવાના વગર જ ચાલે છે. એક અંદાજ મુજબ, ગુજરાતમાં એક લાખથી વધુ હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ છે. પોલીસ 'મફત' લઈ જાય અને દાદાગીરી કરે તેની સામે વાંધો વ્યકત કરતાં હોટલ ધંધાર્થીઓ 'પોલીસ પરવાના'ના વિરોધ માટે પણ પોલીસને જવાબદાર ગણે છે. આમ તો, લાઈસન્સ ફી માત્ર રૂ. ૧૫૦ છે પણ લાઈસન્સ મેળવવા રૂ. ૫૦,૦૦૦ કે વધુ ખર્ચ થતો હોવાની ચર્ચા છે. અમુક ધંધાર્થી કહે છે કે, આવી મોટી રકમ ખર્ચીને લાઈસન્સ મેળવીએ તેના કરતાં તો પોલીસને 'મફત' ખવડાવવાનું સસ્તું પડે. લાઈસન્સ હોય કે ન હોય, પોલીસને તેમની માગણી હોય ત્યારે 'જઠરાગ્નિ' શાંત થાય તે માટે ભોજન આપી દઈએ તો પરેશાની ન રહે. હોટેલિયર્સની આ માનસિકતા પાછળ ધંધામાં તકલિફ ન પડવાનો 'સ્વાર્થ' અને કોઈ માણસને ખવડાવ્યાનો 'પરમાર્થ' સાધ્યાનો સંતોષ હોય છે. બીજી તરફ, હોટલ બિઝનેશ GST પછી અને મોંઘવારી વચ્ચે મંદીના કારણે અકળાયેલો છે એટલે પોલીસની પરેશાનીની સમસ્યા મોટી બની છે.

હોટેલિયર્સની 'પોલીસ પરવાના' પદ્ઘતિ રદ કરવાની માગણી અમુક પોલીસ અધિકારીઓને ગેરવ્યાજબી લાગે છે. નામ નહીં આપવાની શરતે અધિકારી સૂત્રો કહે છે કે, રાજયમાં દારૂબંધી છે અને હોટલોમાં કામ કરતાં લોકો પરપ્રાંતિય હોય છે. આ સંજોગોમાં હોટલ, રેસ્ટોરન્ટ ઉપર 'કાયદાનો અંકુશ' ન હોય તો ચિંતાજનક સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યકત થાય છે.

અમુક અધિકારી કહે છે કે, આમ તો હોટલ બિઝનેશમાં 'ફૂડ સેફટી' જ મહત્વની હોય છે. પણ, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી અમલવારી થઈ રહી છે. આ પદ્ઘતિનો ફાયદો-ગેરફાયદો જોયા પછી ગુજરાત સરકાર કયારે અને કેવો નિર્ણય લેશે? એ તો સમય જ બતાવશે.

એક રેસ્ટોરન્ટ બીલ બનાવી પોલીસની ગાડીના નંબર નોંધે!

પોલીસને 'મફત' ખવડાવ્યા વગર ધંધો ન થઈ શકે તેવું 'ચેઈન' ધરાવતા ખાણી-પીણીના ધંધાર્થી માને છે. એક રેસ્ટોરન્ટ કમ પાર્લરમાં તો પોલીસનું 'પેટ ઠંડુ' કરવા પેકેજ અપાય તેનું બીલ બને. આ બીલ ઉપર પોલીસ જે ગાડી લઈને આવી હોય તેનો નંબર નોંધવામાં આવે. આ રેસ્ટોરન્ટના કર્મચારીઓએ વેચાયેલા માલનો હિસાબ રાખવા માટે આ પદ્ઘતિ અપનાવી છે.

લારી-ખુમચાવાળાને પણ મહિને બેથી પાંચ હજારનો 'ચાંદલો'

ફૂટપાથ કે રોડ ઉપર લારી-ખુમચાવાળા રાખીને ખાણી-પીણીનો વ્યવસાય કરી રોજીરોટી રળતાં લોકોની હાલત વધુ ખરાબ છે. અમદાવાદમાં ૫૦,૦૦૦થી વધુ લારી-ખુમચાવાળા છે. તેમને મહિને બેથી પાંચ હજારનો 'ચાંદલો' કરવો પડે છે. 'મફત પડીકાં' લઈ જવાય તે અલગ. 'નાના' ધંધાર્થી અમુક પોલીસકર્મીને 'મોટી' કમાણીનો આંકડો કરોડોમાં પહોંચે છે.

ખાણીપીણીની 'ફ્રેન્ચાઇઝી'માં IPS અને કોન્સ્ટેબલ ભાગીદાર

પોલીસ તંત્રને જાણનારાં લોકોમાં આ વાત ખાનગી નથી. 'ઓનેસ્ટ' હોવાની છાપ ઉભી કરનાર એક IPSની પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક ફૂડચેઈનની ફ્રેન્ચાઈઝીમાં ભાગીદારી છે. તો, આ જ ચેઈનની પાલડી વિસ્તારમાં આવેલી ફ્રેન્ચાઈઝીમાં એક કોન્સ્ટેબલ ભાગીદાર છે. 'પોલીસ જ ભાગીદાર હોય તો ચિંતા નહીં' આ દાવે રોકાણ મેળવીને બમણો ફાયદો લેવાતો હોવાની પણ ચર્ચા છે.

(12:36 pm IST)