Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગુજરાતીઓ પાસેથી વધુ 'એક હજાર કરોડ' ઇનકમ ટેકસ ઉઘરાવાશે!

કરચોરી કરનાર કરદાતાઓ ડિપાર્ટમેન્ટના રડારમાં હોવાથી હવે મોટા દરોડાની કાર્યવાહી થશેઃ સરકારે ગુજરાત ઇનકમ ટેકસનો ટાર્ગેટ એક હજાર કરોડ વધારી દીધો

 

નવી દિલ્હી તા. ૭ : સરકારે ગુજરાત આયકર વિભાગના ટાર્ગેટમાં રૂપિયા એક હજાર કરોડનો વધારો કરી દીધો છે. હિસાબી વર્ષ પુરૂ થવાને હવે માંડ બે મહિના બાકી છે. ત્યારે હવે રૂપિયા ૪૭૮૩૮ કરોડના નવા ટાર્ગેટને પુરો કરવા માટે આગમી દિવસોમાં આયકર વિભાગના મેગા ઓપરેશન શરૂ થઇ જશે. ઘણા સમયથી મોટા કરચોરો પર વોચ રાખીને બેઠેલા અધિકારીઓ હવે દરોડા માટે સજ્જા થઇ ગયા છે. દિલ્હી દરબારમાંથી ગુજરાત આયકર વિભઆગને રૂપિયા ૪૬૮૩૮ હજાર કરોડનો ટાર્ગેટ સોંપાયો હતો. જે પૈકી ડિપાર્ટમેન્ટે ૩૧મી જાન્યુઆરી સુધી રૂપિયા ૩૩૬૧૨ કરોડનો ટેકસ ઉઘરાવી લીધો છે. હવે સરકારે વધુ એક હજાર કરોડ ટેકસ ઉઘરાવવાનો ટાસ્ક સોંપતાં અધિકારીઓ પણ રઘવાયા બની ગયા છે.

ઓપરેશન 'કલીન મની'નું કામ પ્રગતિ પર, આવકના સ્ત્રોતની સ્પષ્ટતા જરૂરીઃ ડિપાર્ટમેન્ટ પાસે અનેક કરદાતાની માહિતી

નોટબંધી વખતે લોકોને પોતાની પાસેના રૂપિયા ફરજીયાતપણે બેંકમાં જમા કરાવવા પડ્યા હતા. સરકારે જેમના ખાતામાં નોટબંધી વખતે જ બે લાખ કે તેથી વધુ રૂપિયા જમા થયા હોય. તેને નોટીસ આપી રૂપિયા કયાંથી આવ્યા તેના ખુલાસા પૂછવાની પણ જાહેરાત કરી હતી. જે અંગે ઘણા લોકોને નોટીસો મળી પણ ગઇ છે. જો કે આ સમય દરમિયાના જ આયકર વિભાગે તૈયાર કરેલા ઓપરેશન કલીન મની સોફટવેરથી દેશની કોઇ પણ બેંકના કોઇ પણ ખાતામાં રૂપિયા બે લાખ કે તેથી વધુ જમા થાય તેની જાણ તરત જ ડિપાર્ટમેન્ટને થઇ જાય તેવી ગોઠવણ કરી હતી. જેને પગલે ડિપાર્ટમેન્ટ પાસે આવા તમામ ખાતાની વિગતો છે. હવે આવા ખાતા ધારકોએ જો રીટર્ન ફાઇલ નહિ કર્યા હોય તો આયકર વિભાગ ચોક્કસ તેમને ખુલાશા પૂછશે. હવે ઓપરેશન કલીન મનીનું કામ પ્રગતિ ઉપર હોવાનું સિનિયર અધિકારીઓ જણાવે છે.

આયકર વિભાગે રૂ. ૫૫૮૪ કરોડનું રિફંડ ચુકવ્યું

આયકર વિભાગે ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં રૂપિયા ૫૫૮૪ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું હોવાની જાહેરાત અધિકારીઓએ કરી હતી. જે કરતદાઓના GST કે પગારદારોના ઇનકમ ટેકસના રૂપિયા ડિપમર્ટમેન્ટમાં જમા થઇ ગયા હોય અને જે તે કરદાતાએ રીટર્ન ફાઇલ કરી પોતાના રૂપિયાના રિફંડ માટે કલેમ કર્યો હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વાર રીફંડ ચુકવાઇ રહ્યું છે.

GSTનો સીધો ફાયદો ઇનકમ ટેકસ વિભાગને

સરકારે GSTનો અમલ શરૂ કરી દેતાં હવે વેપારીઓની તમામ ખરીદી -વેચાણની વિગતો ઓનલાઇન થઇ ગઇ છે. GSTસાથે આયકરવ વિભાગ કનેકટ હોવાથી હવે વેપારીઓ પોતાનું ખરીદ વેચાણ કે પછી ટર્ન ઓવર છુપાવી શકે તેમ નથી. જેને લઇને તેમણે પુરો ટેકસ ભરવો પડી રહ્યો છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે GSTનો ફાયદો ડિપાર્ટમેન્ટને મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઇનકમ ટેકસ રીટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ ૧૩,૬૩,૯૫૬નો અભૂતપૂર્વ વધારો થયો છે.

(11:45 am IST)