Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાણી વગરની રૂપાણી સરકાર સામે કોંગ્રેસ જોરશોર આંદોલન કરશેઃ પ્રવકતા હિમાંશુ પટેલ

ચૂંટણી પ્રચાર માટે આજી ડેમ ભરવા કરોડો રૂ.નું આંધણ કર્યુ

અમદાવાદ તા.૭: ગુજરાતના ખેડૂતોના ઘરે નળમાં ઓઇલ-તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલા મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોના ખેતરોમાં નર્મદાના પાણીનું એક ટીપું પણ મળે નહી તેવી ગંભીર જ નહી, પરંતુ ગુનાહિત બેદરકારી દાખવી છે. આગામી એકાદ મહિનામાં જ ખેડુતોસહિત ગુજરાતની જનતાના પાણી માટે પોકાર પડે તે પહેલાં 'માં ગંગાને બુલાયા હૈ' કહી વારાણસી જતાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાનને ભાજપની રાજકીય જીવાદોરી સમાન નર્મદા મૈયાના સુકાઇ ગયેલા નીર સામે જોઇ બે આસું પાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.હિમાંશુ પટેલે લાગણીસભર અપીલ કરી છે.કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો.હિમાંશુ પટેલે સીધો આરોપ મુકતા જણાવ્યુ છે કે, ભાજપ સરકારે ગુજરાતમાં ચૂંટણી જીતવાના સતા સ્વાર્થમાં માત્ર બે મહિનામાં જ ૧૨ મીટર નર્મદાના પાણી વેડફી કાઢ્યા છે. ગુજરાતના ખેડૂતો અને જનતા સાથેનું આ જળકપટ ગંભીર જ નહી, પરંતુ ગુનાહીત બેદરકારી હોવાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક દિવસ માટે પણ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. નર્મદા મૈયાના નામે વારંવાર ઉત્સવો સહિત ગંદુ રાજકારણ રમતી ભાજપ સરકાર આજદીન સુધી કેનાલોનું નેટવર્ક પુરૂ કરી શકી નથી. ડેમના દરવાજા અને ઉંચાઇ માટે ગ્લોબલ પ્રચાર કરતી ભાજપ સરકારની અણઆવડત અને ગેરવહીવટના કારણે હયાત કેનાલોમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે.રાજકોટનો આજી ડેમ ભરવા કરોડોનું આંધણ કરી ચૂંટણી પ્રચાર કરનાર ભાજપે રાજ્યના કિસાનો પાણીના એક-એક બુંદ માટે ટળવળે, આર્થિક બેહાલ થાય તેવો કારસો ઘડ્યો છે. નર્મદા માટે હવે પાણી વગરની રૂપાણી સરકાર માટે કોંગ્રેસ સહિત રાજ્યભરના ખેડુતો અને જનતા ટૂંક સમયમાં જ ગાંધી માર્ગે સત્યાગ્રહ કરી પોતાનું પાણી બતાવશે એમ ડો.હિમાંશુ પટેલે જણાવ્યું છે.

(11:23 am IST)