Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અમદાવાદથી દિલ્હી-મુંબઇ જતી ફલાઇટ્સની ટિકિટોના ભાવ આસમાને

લાસ્ટ મિનિટ બુકિંગના ભાવ ૩૨૦૦૦ રૂપિયા

મુંબઇ તા. ૭ : અમદાવાદથી દિલ્હી અને મુંબઈ જતી ફલાઈટ્સના ભાવ એક અઠવાડિયા માટે ઘણાં વધી ગયા છે. ટૂર ઓપરેટર્સનું માનવું છે કે બુધવારથી રવિવાર સુધી ગાંધીનગરમાં યોજાનારા પ્લાસ્ટ-ઈન્ડિયા ૨૦૧૮ને કારણે દિલ્હી અને મુંબઈની ફલાઈટના ભાવ લગભગ ૩ ગણા વધી ગયા છે.

અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના ડિરેકટર શરદ કાબરા જણાવે છે કે, ખાસ કરીને મુંબઈની ફલાઈટના ભાવ ખુબ વધ્યા છે. જો તમે એન્ડ ટાઈમ પર બુકિંગ કરાવો તો અમદાવાદ-મુંબઈ-અમદાવાદનો સામાન્ય રીતે ભાવ લગભગ ૮૦૦૦ રૂપિયા હોય છે અને એડવાન્સ બુકિંગ કરાવો તો ૫૫૦૦ રૂપિયા હોય છે, પરંતુ અત્યારે લાસ્ટ મિનિટ બુકિંગના ભાવ ૩૨૦૦૦ રુપિયા થઈ ગયા છે.

દિલ્હીની વાત કરીએ તો, ઈકોનોમી કલાસની વન-વેની ટિકીટ ૧૧,૦૦૦ સુધીની મળે છે. ડાયનામિક પ્રાઈઝિંગ પોલિસીને કારણે આ પ્રકારના ભાવવધારા જોવા મળે છે.

ઈન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે સરકારે ડાયનામિક પ્રાઈસના નિયમ પર રોક મુકવી જોઈએ. ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ અસોસિએશન ઓફ ગુજરાત(TAG)ના સેક્રેટરી અનુજ પાઠક જણાવે છે કે, તહેવારોમાં પણ ફલાઈટની ટીકિટના ભાવ ખુબ વધી જાય છે. જે મોટી-મોટી બિઝનેસ ઈવેન્ટ થાય છે કે એક વર્ષ પહેલાથી પ્લાન થઈ જતી હોય છે, માટે એરલાઈન્સ તે સમયગાળામાં ભાવ વધારી દે છે.

અનુજ આગળ જણાવે છે કે, ફલાઈટમાં અવેલિબિલિટી હોવા છતાં ભાવ આસમાને પહોંચ્યા છે. સરકારે આ પ્રકારના વલણ પર રોક મુકવી જોઈએ.(૨૧.૯)

 

(4:23 pm IST)