Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં દક્ષિણ ગુજરાતના 2702 ગામોના ખેડૂતોને 953 ખેતી વિષયક ફિડરોના 2.24 લાખથી વધુ ખેતી વિષયક વિજ જોડાણોના કારણે દિવસ દરમિયાન પણ વિજ પુરવઠો અપાશે

રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામા આવ્યો હતો.જેનાથી નર્મદા જિલ્લાના 39 ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ 2702 ગામોના ખેડૂતોને કુલ 953 ખેતી વિષયક ફીડરોના 2.24 લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 57 ગામોની રૂ. 72.66 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 21 ગામોની રૂ. 23.03 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના 32 ગામોની 49.94 કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના 36 ગામો અને 22 ફળિયાની 7.24 કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સંસદસભ્યો મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ 24/10/2020 ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ કુલ 1055 ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યો છે. લઆ યોજના માટે રાજ્ય સરકાર 3500 કરોડના ખર્ચે 66 કે.વી.ની 3490 સર્કિટ કિ.મી. જેટલી 234 નવી ટ્રાન્સમીશન લાઇનો તથા 220 કેવીના 9 નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે.

દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કુલ 454 ગામોના ખેડૂતોને 07/01/2021 થી 17/01/2021 સુધીમાં તબ્બકાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ 69 ફીડરોના 454 ગામના ખેડૂતોના 19747 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.દક્ષિણ ગુજરાતમાં આ યોજનાના બીજા તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કુલ 39 જેટલા ગામોને 4 મેગાવોટ વિજપુરવઠાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

(4:51 pm IST)