News of Tuesday, 7th January 2020
અરવલ્લીના મોડાસાના અમરાપુરની યુવતીની ત્રણ દિવસ પૂર્વે ઝાડ પર લટકતી મળેલી લાશ મુદ્દે આખરે પોલીસે યુવતીના પરિવારજનોની માગ સ્વીકારવી પડી છે. યુવતીના પરિવારજનોના કહેવા મુજબ આરોપીના નામ ફરિયાદમાં દાખલ કરવાની રેંજ આઈજીની હાજરીમાં પોલીસની બાયંધરી બાદ પરિવાર મૃતક યુવતીની લાશ સ્વીકારવા માટે માન્યો છે.
ગત 31 ડિસેમ્બરે સાયરા ગામની આ યુવતી મોડાસા આવ્યા બાદ ગુમ થઈ હતી. લાંબી શોધખોળ બાદ પરિવારે મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જો કે ત્રણ દિવસ પૂર્વે સાયરા ગામની સીમમાં વડ પર લટકતી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના પરિવારનો આક્ષેપ હતો કે, સામૂહિક બળાત્કાર બાદ તેમની દીકરીની હત્યા કરી વડ પર લટકાવી દેવાઈ છે. આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ ન્યાય માટે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ધરણાં અને હલ્લાબોલ કર્યો હતો. મોડાસા ચાર રસ્તા પર પરિવારજનોના ચક્કાજામના કારણે લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
વિરોધ, વિવાદ અને ધરણાં બાદ આખરે મોડાસા પોલીસે 4 લોકો સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ સાથે જ પરિવારે ત્રણ દિવસ બાદ લાશ સ્વીકારવા તૈયાર થયો છે. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદની બીજે મેડિકલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ ડિકમ્પોઝ થતાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.