Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઓઢવમાંથી નવજાત બાળકી મળી આવી, ૧૦૮ને સોંપાઈ

૨૪ કલાકમાં બીજો કિસ્સો સામે આવતાં ચકચાર : સુરતમાં ઝાડીઓમાંથી નવજાત બાળક મળી આવ્યા બાદ હવે શહેરના ઓઢવ વિસ્તારમાંથી નવજાત બાળકી મળી

અમદાવાદ, તા.૭ : ગુજરાત સહિત દેશભરમાં હાલમાં નવજાત બાળકો તેમજ માતાના મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસમાં માતા દ્વારા પોતાના નવજાત બાળકને ત્યજી દેવાની એક પછી એક બે ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સુરત ખાતે ૧૭ વર્ષીય એક સગીરાએ પોતાના નવજાત શિશુને ત્યજી દીધુ હતુ પરંતુ સ્થાનિકોની નજર પડતાં નવજાત શિશુ બચાવી લેવાયું હતું અને સુરત પોલીસે સીસીટીવી ફુટેજના આધારે માત્ર છ કલાકમાં જ સગીરાને શોધી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સગીરાએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. આ ઘટનાને હજુ ૨૪ કલાક નથી ત્યાં આજે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

            સ્થાનિકોની નજરમાં નવજાત બાળક આવતાં તેમણે સમયસર ૧૦૮ને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. નવજાત બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. બીજીબાજુ, પોલીસે આ કિસ્સામાં પણ બાળકીની માતાની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત મહિતી અનુસાર, શહેરના ઓઢવ વિસ્તારના આંજણા ચોક પાસેથી સવારે એક નવજાત બાળકી મળી આવી હતી. માતા દ્વારા ત્યજી દેવાયેલી બાળકી સ્થાનિકોની નજરમાં આવતાં તેમણે તાત્કાલિક ૧૦૮ બોલાવી તેમને સાંેપી હતી. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઇ છે. જો કે, નવજાત બાળકીને લઇ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી અને આટલી કડકડતી ઠંડીમાં તેની મા તેને કેવી રીતે ત્યજીને આટલી ક્રૂર અને નિર્દયી બની શકે તેવા સવાલો સાથે રોષ ઠાલવતાં પણ લોકો જોવા મળ્યા હતા.

            બીજીબાજુ, સમગ્ર ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસે પણ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને પોલીસે બાળકી જે સ્થળે ત્યજી દેવામાં આવી ત્યાંથી અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની તપાસ કરી બાળકીની માતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે સ્થાનિકોની પૂછપરછ કરી કેટલીક જરૂરી માહિતી પણ એકત્ર કરી હતી. જે પ્રકારે, સમાજમાં નવજાત શિશુઓ ત્યજી દેવાના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, તેને લઇ સમાજમાં પણ એક ચેતવણીરૂપ સંદેશો પ્રસરી રહ્યો છે, જેનાથી સભ્ય સમાજે ગંભીરતા અને જાગૃતતા કેળવવાની જરૂર છે. 

(8:31 pm IST)