Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નર્મદા જિલ્લાની સાગબારા તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું

કોંગ્રેસ-ભાજપના અવિશ્વાસની દરખાસ્ત રદ : બીટીપીના 5 અને અને કોંગ્રેસના એક સભ્યે પ્રમુખને મત આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની સાગબારા તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે બિટીપી-કોંગ્રેસનું ગઠબંધન હતું.ગત 15/6/2018 ના રોજ બીજા ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં આશ્ચર્યની વચ્ચે બિટીપી-કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું હતું અને ભાજપે કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસ-ભાજપના ગઠબંધન થકી પ્રમુખ તરીકે કોંગ્રેસના ઓલિ બેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે પ્રભાકર વલવીની વરણી કરાઈ હતી

   હવે થોડા દિવસો અગાઉ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ કોંગ્રેસ-ભાજપે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.7મી જાન્યુઆરી એ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બહુમત સાબિત કરવા તંત્ર તરફથી જણાવાયું હતું.સાગબારા તાલુકા પંચાયતમાં કુલ 18 સભ્યો છે હવે અવિશ્વાસની દરખાસ્ત માટે 12 મત જોઈએ.તો મતદાનના સમયે બિટીપીના 5 સભ્યોએ પ્રમુખને મત આપ્યો હતો બીજી બાજુ કોંગ્રેસનો એક સભ્ય ફરી જતા એ મત પણ પ્રમુખને મળ્યો હતો. 

  આમ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખને પોતાનો એક મત અને અન્ય 6 મત એમ કુલ 7 મત મળ્યા હતા જ્યારે અવિશ્વાસની દરખાસ્ત તરફેણમાં 11 મત પડ્યા હતા.આ જોતા અવિશ્વાસની દરખાસ્ત સાગબારા ટીડીઓએ રદ કરી હતી.આમ સાગબારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપના અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થયું હતું.

(7:54 pm IST)