Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નડિયાદ: દહેજના મામલે પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ: શહેરની યુવતિને તેના પતિ તેમજ ઘરના સભ્યોએ લગ્નના સાડા દશ વર્ષ બાદ દહેજની માંગણી કરી હતી. અને આ માંગણી ના સંતોષાતા તેણીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી પહેરેલે કપડે કાઢી મૂકી હતી. જેથી આ પરિણીત યુવતિએ નડિયાદ મહિલા પોલીસમાં પતિ સહિત કુલ પાંચ સાસરીયાઓ સામે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં સુંદરવનની બાજુમાં આવેલ શ્રીરામ કુટીરમાં રહેતાં ઉકાભાઈ મુળજીભાઈ ભરવાડની પુત્રી લાભુબેનના લગ્ન સાડા દશ વર્ષ અગાઉ બગોદરા તાલુકાના મિઆણી ગામમાં રહેતાં નારાયણભાઈ છેલાભાઈ ભરવાડ સાથે જ્ઞાતિના રીતીરિવાજ મુજબ થયાં હતાં. પતિ નારાયણ વડોદરા જીઆઈડીસીમાં નોકરી કરતો હોઈ લગ્ન બાદ તેઓ બંને વડોદરા રહેવા લાગ્યાં હતાં. બંનેનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જેના ફળરૂપે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ પતિ તેમજ સાસરીયાઓએ ભેગા મળી લાભુબેનને માવતરના ઘરેથી પૈસા લઈ આવવાનું કહી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી લાભુબેને તેના માવતર પાસેથી છુટક છુટક કરી અઢી લાખ જેટલા રૂપિયા લાવી પતિને આપ્યાં હતાં. સાસુ-સસરાં મહારાષ્ટ્રના સુલે ગામમાં રહેતાં હોય લાભુબેન અને નારાયણભાઈ ત્યાં જઈ સંયુક્ત કુટુંબમાં રહેવા લાગ્યાં હતાં. જ્યાં પતિ નારાયણભાઈ, સસરાં છેલાભાઈ જોગાભાઈ ભરવાડ, જેઠ રાજુભાઈ છેલાભાઈ ભરવાડ, જેઠાણી માયાબેન રાજુભાઈ ભરવાડ અને દિયર ગણેશભાઈ છેલાભાઈ ભરવાડે ભેગા મળી તુ તારા પિયરમાંથી કશુ લાવી નથી, તને ઘરકામ કરતાં પણ આવડતુ નથી કહી મ્હેણા ટોણા મારી લાભુબેનને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. નારાયણ તેની પત્નિ લાભુબેન સાથે મારઝુડ કરતો હતો અને જો પિયરમાંથી રૂપિયા નહી લાવે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. આ ઉપરાંત લાભુબેનના તમામ દરદાગીના વેચી નાંખ્યાં હતાં.

(5:19 pm IST)