Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મહેસાણામાં વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેવન્યુ તલાટીએ સ્થાનિક મામલતદારોને આવેદન પત્ર આપ્યું

મહેસાણા: શહેરમાં સાત જેટલી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સોમવારના રોજ મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. અને તેમને તાકીદે ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. અન્યથા આ મામલે અદાવતના દ્વાર ખટખટાવવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે.

મહેસુલ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૨થી મહેસુલી તલાટીઓ પાસેથી મુળ કામગીરી પરત લઈ લેવામાં આવી છે. જેનાથી નારાજ મહેસુલી તલાટીઓ દ્વારા નવીન જોબચાર્ટ સોંપવા માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પણ છ જેટલી અન્ય માંગણીોનો પણ હજુ સુધી નિવેડો લાવવામાં આવ્યો નથી. જેના લીધે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ફરજ બજાવી  રહેલા રેવન્યુ તલાટીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેમની મુખ્ય માંગણીઓમાં નવીન જોબચાર્ટ આપવામાં આવે, વર્ષ ૨૦૧૬ની બેચના મહેસુલી તલાટીઓને પૂર્વ સેવા તાલીમનું આયોજન, વર્ષ ૨૦૧૬ના પરિપત્રનો અમલ, મંજૂર થયેલ મહેસુલી તલાટીઓની ભરતી કરાય, નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી સહિતનો સમાવેશ થાય છે. દરમિયાન સરકાર દ્વારા રેવન્યુ તલાટીઓની પડતર માંગણીઓનો હજુસુધી કોઈ ઉકેલ લાવવામાં ન આવતાં છેવટે સોમવારે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવી રહેલા રેવન્યુ તલાટીઓએ તાલુકા મથકો ઉપર સ્થાનિક મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને પોતાની ૭ જેટલી માંગણીઓ તાકિદે ઉકેલવા રજૂઆત કરી છે. મહેસાણા ખાતે પણ ધવલ ચૌધરી, અપૂર્વ પટેલ, રજનીકાંત સાગર  સહિતના મહેસુલી તલાટીઓના પ્રતિનિધી મંડળે સ્થાનિક મામલતદારે આવેદન આપ્યું હતું. 

(5:18 pm IST)