Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરતના ભેસ્તાન આવાસને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 35 હજારની રોકડની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ભેસ્તાન આવાસમાં રહેતા શ્રમજીવી પરિવાર સાથે પુત્રની સગાઈ કરવા ગત શનિવારે ભુસાવળ ગયા હતા. ગત મળસ્કે તેઓ પાછા ફર્યા ત્યારે ઘરમાંથી રોકડા રૂ.25,000 અને સોના-ચાંદીના દાગીના, પાસબુક, એટીએમ કાર્ડ અને દસ્તાવેજો મળી કુલ રૂ.35,600ની મત્તાની ચોરી થયાની જાણ થતા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં ડિંડોલી ભેસ્તાન આવાસ બિલ્ડીંગ નં.બી/70 રૂમ નં.11 માં રહેતા રોશનશા બસીરશા (ફકીર) કલરકામ કરે છે. ગત શનિવારે બપોરે તે પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે સૌથી નાના પુત્ર તૌસીફની સગાઈ કરવા ભુસાવળ ટ્રેનમાં ગયા હતા. સગાઈની વિધિ આટોપી ગત મળસ્કે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજે મારેલું તાળું તૂટેલું હતું અને અંદર સામાન વેરવિખેર હતો. તપાસ કરતા તેમની ગેરહાજરીમાં ત્રાટકેલા તસ્કરો કબાટમાંથી રોકડા રૂ.25,000, સોના-ચાંદીના દાગીના, પાસબુક, એટીએમ કાર્ડ અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ.35,600 ની મત્તા ચોરી ગયા હતા. 

(5:15 pm IST)