Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

શાળામાં 80 ટકા હાજરી ફરજીયાત : નહિતર બોર્ડની પરીક્ષા માટેની હોલ ટીકિટ નહીં મળે

ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવામાં આવશે.

અમદાવાદ :  સરકારે જાહેરાત કરી દીધી છે કે, ધોરણ 10નાં બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી છે શાળાએ ન જતા અને શાળા કરતા ક્લાસીસોમાં વધારે દેખાતા તમામ વિદ્યાર્થીને હવે 80 ટકા હાજરી શાળાએ આપવી ફરજીયાત થઇ ગઇ છે. અને આ કડકાઇનો અલમ પણ સરકાર દ્વારા આ વખતની બોર્ડની પરીક્ષાથી જ ચૂસ્ત રીતે કરી દેવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની હાજરીની વિગત મંગાવવામાં આવી છે. જે વિદ્યાર્થીની શાળામાં 80 ટકા હાજરી નહીં હોય, તેવા તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા માટે જરૂરી હોલ ટિકીટ નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, આ વખતે ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરુ થશે, અને 17 માર્ચે પૂરી થઈ જશે. જ્યારે 12 સાયન્સની પરીક્ષા 5 માર્ચે શરુ થશે અને 16 માર્ચે પૂરી થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 તારીખે શરુ થશે અને 21 માર્ચે પૂરી થઈ જશે.

(1:43 pm IST)