Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હવામાંથી બનાવશે ઓક્સિજન : મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રાજ્યનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ

હોસ્પિટલને ઓક્સિજન બોટલમાંથી છુટકારો મળશે.: તબીબી સ્ટાફનું ભારણ પણ ઓછું થશે.

મહેસાણા : રાજ્યમાં સૌપ્રથમવાર મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે ઓક્સિજન જનરેટ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન કરશે. જેથી મહેસાણા સિવિલ હોસ્પિટલને ઓક્સિજન બોટલમાંથી છુટકારો મળશે. આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા દિવસોમાં રાજ્યભરમાં સિવિલ હોસ્પિટલોમાં લગાવવામા આવશે

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરે ખુલ્લું મુક્યું છે. આ ઓક્સિજન મશીન ચોવીસે કલાક સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવશે. અને તે શુદ્ધ ઓક્સિજન પાઈપલાઈન મારફતે જે તે વોર્ડમાં જરૂરિયાત સમયે પહોંચતુ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં સૌ પ્રથમ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટને કારણે દર્દીઓને ઓક્સિજન બોટલમાંથી છૂટકારો મળશે તબીબી સ્ટાફનું ભારણ પણ ઓછું થશે.

આ મશીનની ખાસિયત એ છે કે તેનાથી હવામાંથી 98 ટકા જેટલો શુદ્ધ ઓક્સિજન મેળવી શકાય છે. જોકે આ મશીન માટે રાજ્ય સરકારને 25 લાખનો ખર્ચનો અંદાજ છે. તો તેના ફાયદારૂપે ઓક્સિજન બોટલોના ટ્રાવેલિંગ સહિત વિવિધ ઝંઝટમાંતી રાહત મળશે. અને હજારો રૂપિયાનો ખર્ચ પણ બચશે.

(12:51 pm IST)