Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વર્ગ ૧ અને ૨ ના સરકારી બાબુઓ હવે ACની ઠંડી હવા ખાઈ શકશે નહી!

સરકારના વર્ગ-૧ અને ૨ના અધિકારીઓ તેમને નિયમો પ્રમાણે મળતી ના હોય તેવી સગવડો કચેરીમાં કરાવે છે

અમદાવાદ, તા.૭: ગુજરાત રાજય સરકારના વિકાસ કમિશનરે રાજયના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ નિયમ કરતા વધુ સગવડો મેળવતા હોવાનું સામે આવતા હવે પરીપત્ર કર્યો છે. રાજયની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારી અધિકારી ચેમ્બર કે વાહનમાં AC લગાવી સરકારી પૈસે ઠંડી હવા લેવાની દ્યટના સામે આવતા હવે નિયમ મુજબ મળતી સુવિધાઓ ઉપરાંતની સુવિધા ૧૫ દિવસમાં પરત કરવા સૂચના અપાઈ છે.

વિકાસ કમિશ્નરે પરિપત્રમાં લખ્યું છે કે તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે સરકારના વર્ગ-૧ અને ૨દ્ગક્ન અધિકારીઓ તેમને નિયમો પ્રમાણે મળતી ના હોય તેવી સગવડો કચેરીમાં કરાવે છે. આવી બાબતોમાં મુખ્ય સગવડ એ.સી. ચેમ્બર અને એ.સી. વાહનની છે. પ્રસંગોપાત એવું પણ ધ્યાન પર આવેલ છે કે વિવાદ ઉભો ના થાય તેથી અધિકારી આવી સગવડો સ્વખર્ચે ઉભી કરાવે છે. પરંતુ તેના કારણે વધારાનું વીજળી બિલ અને પેટ્રોલ–ડીઝલ નો ખર્ચ સરકાર ઉપર જ આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે અધિકારીને જે સગવડો મળવા પાત્ર ના હોય તે સગવડો તે ભોગવી શકે નહીં. આથી તમામ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના આપવામાં આવે છે કે આગામી ૧૫ દિવસમાં તેમના જીલ્લામાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનમાં એ.સી. ફીટ કરાવેલ હોય તો તે તાત્કાલિક દુર કરવા.

આ સગવડો જો સરકારી ખર્ચે નાંખવામાં આવી હોય તો આવા વ્યર્થ ખર્ચ માટે સબંધિત અધિકારી પાસેથી નાણાં પણ વસુલ કરવા. આવી સગવડો પાછળ થયેલ વધારાના વીજળી બિલ અને પેટ્રોલ – ડીઝલ ના ખર્ચનો અંદાજ કાઢી જેમણે તે સગવડો જેટલા સમય માટે ભોગવેલ હોય તેટલા સમય માટે તેની પાસેથી વસૂલાત કરવી. તમામ ચેમ્બરો અને વાહનોમાંથી ઉપર જણાવ્યા પ્રમાણે એ.સી. દુર કરી તારીખ ૩૧ જાન્યુઆરી પહેલાં કામગીરી પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર મોકલી આપવું. કયા અધિકારીના ચેમ્બર અને વાહનમાંથી એ.સી.દૂર કરવામાં આવ્યા છે તેની વિગતો સામેલ રાખેલ પત્રકમાં મોકલી આપવી તેવી સૂચના આપવામાં આવી છે.

(11:36 am IST)