Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઇડી દ્વારા ગુન્હો દાખલઃ નકલી પીએચડી ડીગ્રીની તપાસઃ બેનામી જમીનો અંગે મહેસુલ ખાતા દ્વારા તપાસનો ધમધમાટ

૪ કરોડથી વધુની ગેરરીતીના આરોપી જીએલડીસીના તત્કાલીન એમડી કે.એસ.દેત્રોજા વિરૂધ્ધ રાજય-કેન્દ્રની તમામ એજન્સીઓ દ્વારા ભરડો લેવાયો : ભ્રષ્ટાચાર વિરૂધ્ધ રાજય સરકાર-કેન્દ્ર સરકાર, ઇડી અને આઇટી દ્વારા સધાયેલ સંકલનમાં મહત્વની પ્રથમ સફળતાઃ કેશવકુમાર

રાજકોટ, તા., ૭: ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના તત્કાલીન ગાંધીનગર ખાતેની ઓફીસમાં સર્ચ ઓપરેશન દરમિયાન એમડી કે.એસ.દેત્રોજાની તપાસ દરમિયાન ગુજરાતના જુદા જીલ્લાઓમાં ખેત તલાવડી, સીમ તલાવડી અને પાણીના ટાંકાના પપ થી વધારે કામમાં કુલ રૂ.૪ કરોડથી વધારે રકમની ગેરરીતિ બહાર આવતા એસીબી વડા કેશવકુમાર દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ઇડી)ને જાણ કરવાના પગલે તેઓની સામે પીએમએલએ એકટ અન્વયે જે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તેના પાછળ દેશવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં વિવિધ એજન્સીઓના  સંકલનને કારણે શકય બન્યાનું એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ઇન્કમ ટેકસ, એન્ફોર્સમેન્ટ ડાયરેકટરની કચેરી સાથે એસીબીનું સંકલન રહે તે માટે  એસીબીમાં મદદનીશ નિયામકની નોડલ ઓફીસર તરીકે નિમણુંક થયાનું પણ તેઓએ જણાવેલ હતું. કેશવકુમારે વિશેષમાં જણાવેલ કે આરોપી કે.એસ.દેત્રોજાની પીએચડીની પદવી ગેરરીતી કરી મેળવેલ હોવાનું પ્રાથમીક તપાસમાં શંકા જણાતા આ અંગે દસ્તાવેજી પુરાવા સાથે સંબંધક વિભાગને જાણ કરવામાં આવી છે.

આરોપી કે.એસ.દેત્રોજાના નજીકના સંબંધીઓ ૭૦ હેકટરથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય જે નિયત મર્યાદાથી વધુ જમીન જણાતા મહેસુલ વિભાગને ખેત ટોચ મર્યાદા ધારા હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. જે બાબતે મહેસુલ વિભાગ દ્વારા જમીન મર્યાદા ધારાની  કલમ  ૯ અને ર૬ મુજબ કાર્યવાહી હાથ ધરાઇ છે. 

ઉપરોકત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી કે કર્મચારીઓની અપ્રમાણસરની મિલ્કતો, બેનામી એકાઉન્ટોની જાણ એસીબીને કરવામાં આવશે તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯રર૮૬૬૭૭ર અથવા વોટસએપ નં. ૯૦૯૯૯ ૧૧૦પપ મોકલવા અથવા સીડી અને પેન ડ્રાઇવ દ્વારા મોકલવા લોકોને અપીલ કરવામાં આવી છે.

(11:31 am IST)