News of Tuesday, 7th January 2020
અમદાવાદ,તા. ૬ :થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ફરી શહેરના વાડજ પોલીસ અને રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ ડીસીપી પ્રવીણ મલ અને પીઆઇ જે.એ.રાઠવાએ પણઇ રકતદાન કરી અન્ય પોલીસ કર્મીઓ તેમ જ નગરજનોને પ્રેરણા પૂરી પાડી હતી. તો, વાડજ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાનની આ સેવાકીય પ્રવૃત્તિમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો.
સેવા અને સુરક્ષાની સાથે અમદાવાદ શહેર પોલીસ હવે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવી છે. શહેર પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લઇ તેમના માટે રક્તની જરૂરિયાત પૂરી પાડવા કટીબદ્ધ થઈ છે અને શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે શહેરના વાડજ પોલીસ સ્ટેશન ખાતે પણ મુસ્કાન માટે રક્તદાનના સ્લોગન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓ જોડાયા હતા. સાથે જ વાડજ પીઆઇ જે.એ.રાઠવા સાથે ખુદ ડીસીપી પ્રવીણ મલે રક્તદાન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ સામાજિક સંસ્થા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉદારતાપૂર્વક રક્તદાન કરવા રીતસર લાઇન લગાવી માનવતાની મિસાલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હજુ પણ અમદાવાદ પોલીસ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં રક્તદાન કેમ્પનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી ઓછામાં ઓછી ૨૦૦ બોટલ રક્ત એકત્ર કરવાની ધારણા છે. રકતદાનના સેવાકીય કાર્યક્રમ દરમ્યાન ઝોન-૧ ડીસીપી પી.કે.મલ, પીઆઇ રાઠવા, પીએસઆઇ પરમાર, સોલંકી તેમજ સમસ્ત વાડજ પોલીસ સ્ટાફની હાજરી નોંધનીય બની રહી હતી. સ્થાનિક અને જાગૃત નાગરિકો પણ ઉત્સાહ સાથે રકતદાન કરવા ઉમટયા હતા.