Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

દેશમાં ૧૨ લાખ કુશળ વેલ્ડીંગ વ્યવસાયિકોની અછત : રિપોર્ટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર માઠી અસર થવાની પણ શક્યતા : વેલ્ડીંગ કારોબારીઓની અછત આગામી ૩ વર્ષોમાં વધીને ૧૩.૫૦ લાખ : ૧૦૦ લાખ કરોડના રોકાણો પર જોખમ

અમદાવાદ, તા.૬ :ઇન્ફ્રા-પ્રોજેક્ટના સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો ચાઇના, રશિયા અને પૂર્વ યુરોપના દેશોના વેલ્ડિંગ અને કટિંગ ઓપરેટર્સનો ઉપયોગ કરી રહ્યાછે, કારણ કે ભારતમાં કુશળ વેલ્ડિંગ માનવશક્તિની અછત વર્તાઇ રહી છે. આંતરમાળખા, રસ્તાઓ, રેલવે અને પુલો, વીજળી અને શીપીંગના તમામ પ્રોજેક્ટ્સ ધાતુના જોડાણની યોગ્ય તકનીક પર ખૂબ નિર્ભર છે, જે ફક્ત પ્રશિક્ષિત અને પ્રમાણિત માનવશક્તિ દ્વારા જ સફળતાપૂર્વક કરાવી શકાયછે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વેલ્ડીંગ (આઈઆઈડબ્લ્યુ)ના એક મહત્વના તારણમાં દેશમાં વેલ્ડર્સ, કટર્સ, ફિટર્સ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ અને એન્જિનિયર્સ અને ઇન્સ્પેક્ટર્સ સહિત ૧૨ લાખ વેલ્ડીંગ વ્યવસાયિકોની તંગી હોવાનો અંદાજ સામે આવ્યો છે.

             હાલ પ્રવર્તી રહેલી આ ૧૨ લાખ વેલ્ડીંગ વ્યવસાયિકોની અછત આગામી ત્રણ વર્ષમાં વધીને ૧૩.૫૦ લાખ થવાની દહેશત પણ સેવવામાં આવી છે, જેના કારણે આ લાખો કુશળ વેલ્ડીંગ વ્યવસાયિકોની અછત ભારતના ઇન્ફ્રાસ્ટ્રકચરની વૃધ્ધિની ગાડી પાટા પરથી ઉથલાવી દે તેવી પણ ગંભીર ચિંતા બની છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડીંગ (આઈઆઈડબ્લ્યુ)એ કૌશલ્ય વિકાસ માટેના કેન્દ્રીય મંત્રાલયને વૃદ્ધિના પગલે વધેલી નોકરીઓની તકોના કારણે પેદા થયેલી અછત અને નિવૃત્ત થતા કર્મચારીઓના સ્થાને ભરતી કરવા વિશે અરજી કરી છે. આગામી પાંચ વર્ષમાં માર્ગ, રેલ, પુલ, આંતરિક જળમાર્ગો અને વીજળી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રૂ. ૧૦૦થી વધુ લાખ કરોડના રોકાણને ધ્યાનમાં રાખીને ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડીંગ (આઈઆઈડબ્લ્યુ)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય ધોરણના વેલ્ડીંગ શિક્ષણનો પ્રચાર કરવા અને પ્રોત્સાહન આપવા કૌશલ્ય વિકાસના મંત્રાલય પાસેથી સકારાત્મક પગલું લેવાની માંગ કરી છે. આ અંગે આઇઆઇડબલ્યુના પ્રવકતા અને પૂર્વ પ્રમુખ આર. શ્રીનિવાસએ જણાવ્યું કે, અપૂરતી કુશળ માનવશક્તિના લીધે રૂ. ૫૨ લાખ કરોડની નવી બાંધકામ મિલકતો ઊભી કરવા અને ૯૦,૦૦૦ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતાઓનો ઉમેરો પૂર્ણ કરવા તથા સમયસર તેના અમલીકરણ અંગેપોતાની મર્યાદાઓ દર્શાવી હતી.

દરેક દિવસે ૨૦ કિલોમીટરના નવા ધોરીમાર્ગો બાંધવાનું રાષ્ટ્રીય મીશન તો પહેલાથી પાછળ ચાલી જ રહ્યું છે. મેક-ઇન-ઇન્ડિયા અભિયાન ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની તકોમાં ઊછાળો લાવ્યું છે, પરંતુ કુશળ મજૂરોની કાયમી તંગીની બુમરાણ બાંધકામ, ઓટોમોબાઇલ, વીજળી અને સંરક્ષણ ક્ષેત્રોમાં જોરશોરથી ઉઠી રહી છે. પાઇપ અને પ્લેટ વેલ્ડર્સ, સુપરવાઇઝરો અને વેલ્ડીંગ એન્જિનિયરો એમ બધાં સ્તરે કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની તંગી ચાલુ રહી છે. કેન્દ્ર સરકારના કુશળતા વિકાસ વ્યવસ્થાતંત્રે કે જે ૨૦૨૨ સુધીમાં ૫૦૦ મિલિયન ભારતીયોને કુશળ બનાવવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે આઇઆઇડબલ્યુએ વેલ્ડીંગ કારીગરોની અછતને પહોંચી વળવા ભાગીદારીની ઓફર કરી છે. દરમ્યાન આઇઆઇડબલ્યુના અધ્યક્ષ કમલ શાહે જણાવ્યું હતું કે, અમે ફેબ્રુઆરી ૨૦૨૦ (મુંબઈ)માં યોજાનારા આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ અને વેલ્ડ ઇન્ડિયા ૨૦૨૦ એક્સ્પોમાં અમલદારો અને જાહેર ક્ષેત્રની કંપનીઓને ભાગ લેવા આતુરતાથી આગ્રહ કરી રહ્યા છીએ. આઈઆઈડબ્લ્યુ અર્બન,પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર-બ્રિજ ઇનઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોલ ઓફ વેલ્ડીંગ વિષય પર આખા દિવસના સત્રનું આયોજન કરશે. વિશ્વભરના વિષય નિષ્ણાતોને આમંત્રણ અપાયું છે. આઈઆઈડબ્લ્યુની શાખાઓ વિદ્યાર્થીઓને વેલ્ડિંગમાં કારકિર્દીની શક્યતા પર વિચારણા કરવા રજૂઆતો કરી રહી છે.

(9:33 pm IST)