Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પહોંચી વિદેશીઓ પ્રભાવિત

ભારત નિર્માણના સંદેશા સાથે જાગૃતિ યાત્રાઃ ૧૫ દિવસની રાષ્ટ્રીય ટ્રેનની મુસાફરીની જાગૃતિ યાત્રાના ૪૫૦થી વધુ પર્યટકો ગાંધી આશ્રમમાં ઉતરતા મેળાવડો

અમદાવાદ,તા. ૭: સમગ્ર દેશમાં આઠ હજાર કિલોમીટરના અંતરને આવરી લેતી અને દર વર્ષે તા.૨૪મી ડિસેમ્બરે નીકળતી પંદર દિવસની રાષ્ટ્રીય ટ્રેનની મુસાફરીની જાગૃતિ યાત્રા આજે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ૪૫૦થી વધુ યાત્રીઓ કે જેમાં વિદેશી પર્યટકો પણ સામેલ હતા તેઓએ આજે સાબરમતી આશ્રમ અને ગાંધીનગર ભાટ પાસે ઇડીપી(એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ખાતે મુલાકાત લીધી હતી. વિદેશી પર્યટકો અને ભારતભરમાંથી આવેલા યાત્રીઓ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ભારે પ્રભાવિત થયા હતા. ખાસ કરીને વિદેશી પર્યટકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને તેમના આદર્શોને લઇ પ્રેરણારૂપ ગણાવ્યા હતા. આ વખતની જાગૃતિ યાત્રામાં ગુજરાતના ૪૫ મુસાફરો પણ સામેલ હતા. જેમણે પોતાના વતન ગુજરાત અને અમદાવાદ આવી વતનની યાદ આજે તાજી કરી હતી. આ અંગે જાગૃતિ યાત્રાના અગ્રણી અને પનાહ ફાઉન્ડેશનના સીઇઓ નરેશ સીજાપતિ, આશુતોષ કુમાર, પુલકિત કુમાર તથા શાશાંક મની સહિતના અગ્રણીઓએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, આ જાગૃતિ યાત્રાની સૌથી નોંધનીય વાત એ છે કે, આ યાત્રા માટે ભારતીય રેલવિભાગ સાથે જાગૃતિ સેવા સંસ્થાન દ્વારા જોડાણ કરી આખી ટ્રેન જ યાત્રીઓ માટે બુક કરાવાય છે અને દર વર્ષની તા.૨૪મી ડિસેમ્બરે આ યાત્રા મુંબઇથી નીકળે છે ત્યાંથી તે કર્ણાટક, ચેન્નાઇ, બેંગ્લોર, કન્યાકુમારી, વિશાખાપટ્ટનમ, બિહાર, યુપી, દિલ્હી, રાજસ્થાન થઇ આજે અમદાવાદ આવી પહોંચી હતી. જાગૃતિ યાત્રાનો મુખ્ય ઉદેશ આ સાહસ દ્વારા ભારત નિર્માણ છે. કૃષિ, શિક્ષણ, ઉર્જા, આરોગ્ય, ઉત્પાદન, પાણી અને સ્વચ્છતા, સંસ્કૃતિ અને રમતગમતની જાગૃતતા સાથે ઉદ્યમી અને ઉદ્યમશીલતાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું છે. જાગૃતિ યાત્રામાં જોડાનાર યુવાઓ સહિતના પર્યટકો તેમની હજારો કિલોમીટરની મુસાફરી દરમ્યાન ૧૨ જુદા જુદા રોલ મોડેલ હસ્તીઓને મળે છે અને તેમની સાથે વાતચીત કરી, તેમના અનુભવો અને માર્ગદર્શન મેળવી પ્રેરણા લે છે.

ઉદ્યમશીલતાના પ્રયત્નો થકી ઉદ્યમી ભારતનું નિર્માણ કરવાના આદર્શ, નવી દિશા અને નવા વિચાર સાથે મુસાફરી કરી યાત્રામાં પર્યટકો વિવિધ રાજયો અને સ્થળોની મુલાકાત લે છે, જે માત્ર તેમના જ નહી પરંતુ યાત્રા પછી તેમના સંપર્કમાં આવનારા અન્ય લોકોના જીવનને પણ એક નવી દિશા અને રાહ ચીંધે છે. જાગૃતિ યાત્રાના પર્યટક યુવાઓએ આજે સાબરમતી ગાંધી આશ્રમના સંચાલક જયેશ પટેલ અને ઇડીઆઇ, ગાંધીનગર મુલાકાત લઇ પ્રેરણા મેળવ્યા હતા. દરમ્યાન રાત્રે ૧૦ વાગ્યે જાગૃતિ યાત્રાની આ ટ્રેન મુંબઇ તરફ રવાના થઇ ગઇ હતી.

(9:47 pm IST)