Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સમિટ દરેક રાજ્યમાં રોકાણ માટેનું મંચ બને તેવા એંધાણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઃ સમિટમાં આઠ રાજ્યો અને ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ રહેશે

અમદાવાદ,તા.૭: આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજ્યો પોતાના રાજ્યોમાં રોકાણની નવીન તકો પ્રસ્થાપિત કરવાના હેતુથી આ સમિટમાં સહભાગી થશે. જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણ, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં આવનાર સમયમાં રોકાણની ઉજ્જવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજાશે. સાથે સાથે સમિટમાં દરેક રાજ્ય માટે એક વિશિષ્ટ પેવેલિયન પણ હશે જે વૈશ્વિક રોકાણકારોને તેમના રાજ્યમાં રોકાણ માટે આકર્ષવામાં મહત્વના સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નયા ભારત'ના નિર્માણ માટે અનેકવિધ કાર્યક્રમો કાર્યાન્વિત કર્યા છે ત્યારે આ વખતની નવમી વાયબ્રન્ટ સમિટની 'શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા' વિષયક થીમ સમગ્ર દેશવાસીઓના વિકાસચિંતનની ભાવનાને ઉજાગર કરે છે. આ સમિટઆ દિશામાં એક નકકર પ્રયાસરૂપે યોજાઇ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ રાજ્ય સરકારનો શરૂઆતથી જ લક્ષ્ય રહ્યો છે કે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના એક શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવું એટલું જ નહીં રાજ્ય સરકારના પ્રયાસોને કારણે જ આ સમિટ માત્ર ગુજરાત માટે જ નહિ પરંતુ ભારતના દરેક રાજ્યોમાં રોકાણ માટેનું સર્વશ્રેષ્ઠ મંચ બન્યું છે. જેના કારણે પ્રત્યેક સમીટમાં વધુને વધુ રાજ્યો ભાગ લઈ રહ્યા છે. વર્ષ - ૨૦૧૭ માં ચાર રાજ્યોએ ભાગ લીધો હતો અને વર્તમાનમાં તે આંક વધીને બમણો એટલે કે આઠ થયો છે. પત્રકાર પરિષદને સંબોધતાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે  જણાવ્યું હતું કે ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. તેમજ તેમના માટે ખાસ પેવેલિયન પણ તૈયાર કરશે. આ દેશો પૈકી દ્રિ-વાર્ષિક સમિટમાં ૧૫ દેશ ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા સંમતિ દર્શાવી છે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં સેમિનારમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે અને  તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. આ સમિટમાં વિવિધ દેશના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓ વિદેશી સહયોગીઓ સાથે સંવાદ સાધીને તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે તેમજ ઔદ્યોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉત્તમ તકો રજૂ કરશે.

જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય યુરોપયિન સ્થિત કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેકચરિંગ ટેક્નોલૉજીમાં ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત આફ્રિકા ખંડના કેટલાક દેશો પણ 'આફ્રિકા ડે' ની  ઇવેન્ટ્સમાં ભાગ લેશે તેમજ સેમિનાર યોજીને આફ્રિકા સાથેના વ્યવસાય અને વેપાર માટેની તકો અને પડકારો રજૂ કરશે. તેઓ આ સેમિનારમાં ભારતીય વેપાર-ઉદ્યોગ જગતના દિગ્ગજોને જોડશે અને આફ્રિકન દેશોમાં વેપારની તકો, નિકાસની તકો, જમીનની ઉપલબ્ધતા, વિવિધ મંજૂરી, શ્રમ, સરકારી નીતિઓ અને વહીવટી સહયોગ જેવી બાબતોથી માહિતગાર કરશે. આફ્રિકન પ્રતિનિધિઓ માટે હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુનઃ પ્રાપ્યઊર્જા, એગ્રો-બિઝનેસ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ એન્ડ મિનરલ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

(9:19 pm IST)