Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મ્યુનિ. બોર્ડ વધુ પાંચ અંગ્રેજી મિડિયમની શાળા શરૂ કરાશે

સમાજમાં વાલીઓમાં અંગ્રેજીના માધ્યમમાં શિક્ષણ પરત્વે વધી રહેલા ક્રેઝને લઇ અંતે સ્કૂલ બોર્ડ સત્તાધીશોનો નિર્ણય : મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ, તા.૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડના સત્તાવાળાઓ દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં જુનિયર-સિનિયર કે.જીથી ધો.૮ સુધીના વર્ગ ધરાવતી અંગ્રેજી માધ્યમની નવી પાંચ શાળા શરૃ કરાશે. લાંબા સમયથી અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓનું આકર્ષણ વધ્યું હોઇ સત્તાધીશોએ ગુજરાતી માધ્યમ સહિતના અન્ય માધ્યમની નવી શાળા શરૃ કરવાને બદલે અંગ્રેજી માધ્યમ પર પસંદગી ઉતારી છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સત્તાધીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયની સમાજમાં ખાસ કરીને વાલીઓમાં ભારોભાર સરાહના થઇ રહી છે અને ખુશીની લાગણી પ્રસરી છે. અત્યારે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા શહેરમાં ૩૭૯ શાળા ચલાવાય છે, જેમાં આશરે ૧.રપ લાખ બાળકો અભ્યાસ કરે છે, જે પૈકી સૌથી વધુ એટલે કે લગભગ ૩૦૦ શાળા ગુજરાતી માધ્યમની છે જ્યારે ઉર્દૂ માધ્યમની ૬૦, હિંદી માધ્યમની ૪૯, અંગ્રેજી માધ્યમની ર૪, તામિલ માધ્યમની ૬ અને મરાઠી માધ્યમની ૬ શાળા ચાલે છે. સત્તાવાળાઓ આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં અંગ્રેજી માધ્યમની નવી પાંચ શાળા શરૃ કરનાર હોઇ શહેરમાં અંગ્રેજી માધ્યમની કુલ ર૯ શાળા ધમધમતી થશે. અત્યારે લગભગ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે એ નવી પાંચ શાળા ખૂલ્યા બાદ બાળકોની સંખ્યા ૧૩,૦૦૦ જેટલી થશે. આ તમામ શાળાને હયાત શાળામાં ઉપલબ્ધ વર્ગખંડમાં શરૃ કરાશે એટલે સ્કૂલ માટે નવા બિલ્ડિંંગ બનાવવાનો ખર્ચ થવાનો નથી. શહેરના તમામ ઝોનમાં ઝોનદીઠ એક શાળા શરૃ કરાશે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા ધો.૬થી ૮ સુધીનાં બાળકો માટે ખાસ ગૂગલ ક્લાસ શરૃ કરાશે. તંત્ર રપ ગૂગલ ક્લાસથી પ,૦૦૦ બાળકોને ઇ-લર્નિંગનો અભ્યાસ કરાવશે, જેમાં શિક્ષકો સ્કૂલબોર્ડના તૈયાર અભ્યાસ આધારિત બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે અને બાળકો પણ ઓનલાઇન ઉત્તર આપશે. સ્કૂલબોર્ડના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું આશરે રૃ.૬૮૬ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું હતું, જે ચાલુ નાણાકીય વર્ષના રૃ.૬૭૧ કરોડના બજેટ કરતાં આશરે રૃ.૧પ કરોડ વધુ છે. તંત્રના બજેટમાં સ્માર્ટ ર્લનિંગ પ્રોજેકટને આગળ ધપાવવા રૃ.ચાર કરોડની ફાળવણી કરાઇ છે. હાલમાં ધો.૬થી ૮ના આશરે ૪પ,૦૦૦ બાળકો સ્માર્ટ ર્લનિંગ હેઠળના ૧,૦૦૦ વર્ગનો લાભ લે છે. આગામી વર્ષે વધુ ૪૦૦ વર્ગમાં ટીવી મૂકીને વીડિયો ઓન ડિમાન્ડ પ્રોજેકટને આગળ વધારાશે. આ ઉપરાંત ૧પ,૦૦૦ બાળકોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે લઇ જવાશે. રાજ્ય સરકારના ગુણોત્સવમાં નબળી પુરવાર થયેલી એટલે કે ડી ગ્રેડની રપ શાળામાં વધુ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા ભાર મુકાશે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ડી ગ્રેડની શાળાની સંખ્યા વધુ પ્રમાણમાં છે. આ દરમિયાન વહીવટીતંત્રના આજના ડ્રાફટ બજેટ બાદ દસેક દિવસમાં શાસક ભાજપ પક્ષ દ્વારા સુધારિત બજેટ રજૂ કરાશે, જોકે સ્કૂલબોર્ડના બજેટમાં ૯૮ ટકા રકમ પગાર-ભથ્થા પાછળ ખર્ચાતી હોઇ બાળકોના વિકાસ પાછળ નહિવત્ નાણાં ઉપયોગમાં લેવાય છે. તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાની અને યોગ્ય અમલવારી કરવાની જરૃર હોવાની લાગણી પણ વાલીઓમાં ઉઠવા પામી છે.

(9:02 pm IST)