Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કોંગ્રેસની નજર દક્ષિણ ગુજરાત તરફઃ ધડાકાના મૂડમાં

ભાજપમાં ગયેલા અમુક નેતાઓ સહિતના મોટામાથાઓને ખેડવવાની હીલચાલઃ અમુક યુવા નેતાઓ પણ નજર ગ્રહણમાં: આદીવાસી બેઠકમાં ફરી દબદબો કરવા માટે ટોચના નેતાઓએ કમર કસીઃ દર્શનભાઇ, કુંવરજી, અમરસિંહ સહિતના નેતાઓ ચર્ચામાઃ ૧૦મીએ ફરી સાતવ ગુજરાતના પ્રવાસે

રાજકોટ તા.૭: આગામી લોકસભા ૨૦૧૯ અનુલક્ષીને કોંગ્રેસના રાજય પ્રભારી તથા પ્રદેશનેતાઓનો અસંતુષ્ઠોને મનાવી ડેમેજ કંટ્રોલ તો આદર્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવા માટેના પણ ચક્રો ગતિમાન કર્યા છે.

ગઇકાલે દિલ્હી ખાતે કોંગ્રેસને વધુ મજબુત બનાવવાના ઇરાદે બે જુથને સાથે બેસાડવાના પ્રયાસો આદરાયા હતા એક જુથે રાહુલ ગાંધીને જ મળવાની મક્કમતા રાખી હતી પરંતુ આર.જી.એ. રાજય પ્રભારી અને અહેમદભાઇ પટેલ સાથે વાત કરી લેવાની સલાહ આપતા રાજીવ સાતવના બંગલે ગુજરાતનો મામલો ચર્ચાયો હતો.

એક તરફ અસંતુષ્ટોની ગરમી ઠંડી કરવાના પ્રયાસો આદરાયા તો બીજી તરફ વિધાનસભા વખતે ભાજપનો ખેસ પહેરનારા અને અમુક ભાજપના આગેવાનો સાથે પ્રદેશ સમિતિ સંપર્કમાં હોવાનું અને તૂર્તમાં દક્ષિણ ગુજરાતના આદીવાસી વિસ્તારમાં ભાજપમાં ગાબડા પાડવામાં કોંગી નેતાઓ સફળતા મેળવે તેવા નિર્દેશો મળે છે.

દક્ષિણ ગુજરાતમાં અગાઉ અમુક ધારાસભ્યો સહિતના નેતાઓ ભાજપમાં ગયા હતા તેઓ ચાર થી પાંચ જુના યુવા કોંગી આગેવાનોને સમજાવીને જુના ઘેર પરત લાવવાની ગતિવિધીઓ આદરાઇ છે.

તાજેતરમાં ભાજપમાં ભળી જઇ સત્તા મેળવીને વિજયી બનેલા આગેવાનના નામ નામધારી તથા પૂર્વ મુખ્યમંત્રી જેવું નામ ધરાવતા નેતાઓ ઉપર કોંગ્રેસે નજર તાંકી હોવાના વાવડ મળેછે.

દરમ્યાન પ્રદેશ સમિતિની લોબીમાં એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે જે નેતાઓને દિલ્હી આમંત્રણ આપ્યું હતું તેમાં બે યુવા ધારાસભ્યો સામેલ ન હોય આ વાતે પણ ચર્ચા જાગી છે.

દરમ્યાન ૪ કાર્યકારી પ્રમુખ વાળી ફોર્મ્યુલા ફરી જીવંત થયાની ચર્ચા વચ્ચે રાજય પ્રભારી ફરી આગામી ૧૦મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અનેકવિધ ચર્ચાએ જોર પકડયુ  છે.(૧.૨૭)

(4:08 pm IST)