Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જાન્યુઆરી માસ 'બદલી માસ' બને તો નવાઇ નહિ

લોકસભા ચુંટણી સંદર્ભે પોલીસ-રેવન્યુ સહિતના વિભાગોમાં ૩ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવનારના ફેરફારનો ગોઠવાતો તખ્તો : જે.કે.ભટ્ટ ચાલુ માસે નિવૃત થતા હોવાથી ટ્રબલ શુટર આઇપીએસ હિમાંશુ શુકલનો ડેપ્ટેશન હુકમ ઢીલમાં: ફકત દિપાંકર ત્રિવેદી એકના સીંગલ હુકમ પાછળનું આ છે રહસ્ય

રાજકોટ, તા., ૭: લોકસભાની ચુંટણીના  પડઘમો વાગી રહયા છે, રાજકીય પક્ષો ગઠબંધનો સહિતના ગણીતો બેસાડી રહયા છે ત્યારે બીજી બાજુ ચુંટણી પંચના નિયમ અને આદર્શ આચારસંહિતાના અમલ માટે ૩ વર્ષથી વિશેષ એક જ શહેર કે જીલ્લામાં ફરજ બજાવનાર ટોપ ટુ બોટમ અધિકારીઓ અને સ્ટાફને બદલવાની કવાયતમાં પ્રથમ તબક્કે ૭૪ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોની બદલીઓ થઇ પરંતુ પીઆઇની વાત કરીએ તો આ ઓર્ડરો હજી ત્રીજા ભાગના થયા છે હજુ બીજા ઓર્ડરો થશે.

પીએસઆઇ કક્ષાએ ૪૦૦ જેટલા પીએસઆઇના બદલી ઓર્ડરો માટે પણ રાજયના પોલીસ વડાની કચેરીનું એડમન વિભાગ ધમધમી રહયું છે. જયારે ડીવાયએસપી કક્ષા અને તેથી ઉપરની કક્ષાના અધિકારીઓની બદલી માટે ગૃહ ખાતુ સક્રિય બન્યું છે.

તાજેતરમાં જે રીતે આઇપીએસ કક્ષાએ બઢતીઓ આપવામાં આવી તેમાં મૂળ જગ્યાએ મુકી શકાય તેવું હોવાથી તેવા ઓર્ડરો પ્રથમ થયા પરંતુ એસપી કક્ષાએ બઢતી આપતા સમયે જે તે જીલ્લામાં ડીઆઇજી બનાવી ચાલુ ન રાખી શકાય તે નિયમ ધ્યાને લઇ આ ઓર્ડરો પણ તુર્તમાં જ થશે ટુંકમાં કહીએ તો જાન્યુઆરી માસ બદલીમાસ  બની રહે તો નવાઇ નહી. બદલીઓ ફકત પોલીસ તંત્ર પુરતી મર્યાદીત રહેવાને બદલે રેવન્યુ કક્ષાએ કલેકટર, ડીડીઓ, ડે. કલેકટર, મામલતદાર અને નાયબ મામલતદારને સ્પર્શી જશે.

દરમિયાન કેન્દ્રમાં વધુ એક આઇપીએસ અધિકારીને ગુજરાતમાંથી લઇ જવામાં આવ્યા છે. ર૦૦૩ બેચના ડીઆઇજી કક્ષાના અને ભુતકાળમાંજુનાગઢ અને ભાવનગર એસપી તરીકે ફરજ બજાવનાર દિપાંકર ત્રિવેદીને સેન્ટ્રલ આઇબીમાં પોસ્ટીંગ અપાશે.

નવાઇની વાત એ છે કે દિપાંકર ત્રિવેદી પહેલા એટીએસના ર૦૦પ બેચના ડીઆઇજી કક્ષાના હિમાંશુ શુકલને 'રો'માં લઇ જવાની ચર્ચા લાંબા સમયથી છે. તેમનો હુકમ ન થતા રાજયમાં અમદાવાદ સીટી ક્રાઇમમાં ચાલુ માસે નિવૃત થતા કાયદે આઝમ અને રાજય અને કેન્દ્ર સરકારની ગુડસબુકમાં સ્થાન ધરાવતા જે.કે.ભટ્ટ નિવૃત થયા બાદ રાજય સરકાર પર જયારે પણ કોઇ સમસ્યાના વાદળ ઘેરાઇ ત્યારે તે દુર કરી શકે તેવા વિશ્વાસુ (ટ્રબલ શુુટર) આઇપીએસ હિમાંશુ શુકલ જ હોવાથી તેમના ડેપ્યુટેશન અંગે અવઢવ સર્જાઇ છે. (૪.૪)

(2:38 pm IST)