Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીનગરમાં સે-29માં આયુર્વેદિક દવાખાનાની બાજુમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો

ગાંધીનગર:શહેરના સેક્ટર-૨૯ ખાતે આવેલા આયુર્વેદિક દવાખાનાની પાસેના વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થઇ રહી છે. જેના પગલે અમૂલ્ય પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જે અંગે આસપાસના રહિશો દ્વારા તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં નજીવું સમારકામ કરવામાં આવતું નથી અને નિયમિત પાણીનો બગાડ થતાં ગંદકી પણ ફેલાઇ રહી છે.

રાજ્યના પાટનગરમાં વસવાટ કરતાં લોકોને પીવાનું પાણી પ્રાપ્ત થઇ શકે તે માટે તંત્ર દ્વારા નાંખવામાં આવેલી પાઇપલાઇનો ઘણા વિસ્તારોમાં વર્ષો જુની થવાના કારણે ઠેકઠેકાણે બિસ્માર બનવા લાગી છે. ત્યારે સેક્ટર-૨૯માં આયુર્વેદિક દવાખાના પાસેના વસાહતી વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ઘણા દિવસોથી લીકેજ થઇ જવા પામી છે. જેથી સવારના સમયે આ વિસ્તારમાં સતત પાણી વહેતુ રહે છે. લીકેજ પાઇપલાઇનના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીના તળાવ જેવા દ્રશ્યો જોવા મળે છે. તંત્ર દ્વારા એક તરફ લોકોને પાણી બચાવો અંગે જાગૃત કરવામાં આવે છે ત્યારે નજીવું સમારકામ કરવામાં પણ તંત્ર આળસ દાખવતું હોય તે પ્રકારે કામગીરી કરતું નથી. જેના પગલે આ વિસ્તારમાં નિયમિત મુલ્યવાન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેની સામે સ્થાનિક રહિશો પણ રોષ પ્રગટ કરી રહ્યાં છે. તો આ વિસ્તારમાં બેઠક માટે મુકવામાં આવેલા બાંકડાની આસપાસ જ પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. સત્વરે આ લીકેજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. 

(5:12 pm IST)