Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીનગરના સે-6 માં કચરાપેટીમાંથી કચરો ઉપાડવામાં ન આવતા ગંદકીમાં વધારો

ગાંધીનગર:શહેરના સેક્ટર-૬એમાં શાકમાર્કેટ નજીક તંત્ર દ્વારા મુકવામાં આવેલી કચરાપેટીમાં એકત્રીત થતો કચરો ઉપાડવામાં નહીં આવતાં ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે રખડતાં ઢોરો પણ બેસી રહેતાં હોય છે. પેટીની પાસે આવેલા માર્ગો ઉપરથી અવર જવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

રાજ્યના પાટનગરમાં તંત્ર દ્વારા સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતાં ઘણા વિસ્તારોમાં હાલ પુરતી સફાઇ થઇ શકતી નથી તો ઘણી જગ્યાએ કચરાપેટીઓ મુકવામાં આવી છે. તેમાંથી કચરો નહીં ઉપાડાતાં ગંદકીના ઢગ ખડકાઇ રહ્યાં છે. સેક્ટર-૬એમાં શાકમાર્કેટની પાસે આવેલાં વીજકંપનીના ડીપીની નજીક મુકવામાં આવેલી પેટીમાંથી નિયમિત કચરો લેવામાં નહીં આવતાં આસપાસ એકઠો થઇ રહ્યો છે. જેના પગલે રખડતાં ઢોરો પણ ખોરાકની શોધમાં કચરાપેટીની આસપાસ જ અડીંગો જમાવીને બેસી રહ્યાં હોય છે. સ્થાનિક રહિશો દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. રખડતાં ઢોરો બેસી રહેતાં હોવાના કારણે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિકો રાહદારીઓને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા આ પેટીને ઉપાડી લેવામાં આવે અથવા તો નિયમિત કચરાનો નિકાલ કરાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

 

(5:11 pm IST)