Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ધોલેરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કૃત 'સિંધુડો' પુસ્તક અર્પણ કરતા પિનાકી મેઘાણી

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગ રાજ્યકક્ષામંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ પંડયાની વિશેષ ઉપસ્થિતિ : ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે મેઘાણી - ગીતોની રમઝટ બોલાવી હતી

રાજકોટ તા. ૬ : ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધોલેરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સિંધુડો પુસ્તક અર્પણ કર્યું હતું. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ઐતિહાસિક ધોલેરા સત્યાગ્રહ અવસરે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો પ્રસિધ્ધ થયો હતો. આ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ અને સિંધુડોને જપ્ત કર્યો હતો.

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગ રાજયકક્ષામંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, લોકગાયક અભેસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન (આઈએએસ), ઉદ્યોગ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા (આઈએસએસ), ધોલેરા સ્પે. ઈન્વેસ્ટમેન્ટ રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ હારિત શુકલા (આઈએએસ), અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે (આઈએસએસ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે મેઘાણી-ગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત સહુને ડોલાવી દીધાં હતાં.

આઝાદી કા અમૃત મહોત્સવ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ તથા ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની ૯૧મી જયંતી નિમિત્તે શૌર્યભૂમિ ધોલેરાને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટમાં શામેલ કરવામાં આવે તેવી લોકલાગણી છે.(૨૧.૧૯)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

એન્ડ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:01 pm IST)