Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ટુ-વ્હીલરના નવા પ્લાન્ટ સ્થાપ્યા

ઇલેકટ્રીક વાહનોની માગ વધતા ઉત્પાદકોની નજર ગુજરાત તરફ

અમદાવાદ તા. ૬ : પેટ્રોલના વધતાં ભાવ અને ઈલેકિટ્રક વાહનો તરફ લોકોના વધતા ઝુકાવની વચ્ચે ઈલેકિટ્રક ટુ-વ્હીલરની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે વધુ ને વધુ ઓટોમોબાઈલ કંપનીઓ ગુજરાતમાં ઈલેકિટ્રક ટુ-વ્હીલરના મેન્યુફેકચરિંગ માટે મોટા દાવ ખેલી રહ્યા છે. દાખલા તરીકે, ૨૦૨૦માં અમદાવાદના ચાંગોદરમાં ઓડિસી ઈલેકિટ્રક વ્હીકલ્સ પ્રાઈવેટ લિમિટેડે વાર્ષિક ૨૪,૦૦૦ યુનિટની ક્ષમતાનો પ્લાન્ટ નાખ્યો હતો. ગત વર્ષે તેમણે ઈ-સ્કૂટર પણ લોન્ચ કર્યા હતા.

મેટર નામનું ઈલેકિટ્રક વ્હીકલ અને ઈલેકિટ્રક ટેકનોલોજી સ્ટાર્ટઅપ પણ અમદાવાદ નજીક મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૨ લાખ યુનિટની હશે. શહેરના લાલભાઈ પરિવારમાંથી આવતાં મોહલ લાલભાઈ દ્વારા આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. ૨૦૨૨ના પ્રથમ છ મહિના દરમિયાન તેઓ ઈ-મોટરસાઈકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સ્વીચ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પણ તાજેતરના વર્ષોમાં ઈલેકિટ્રક વ્હીકલ ફેસિલિટી માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.

બીએસઈ લિસ્ટેડ વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ ૨૦૧૬થી ઈલેકિટ્રક વ્હીલર માર્કેટમાં છે. તેમણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડોદરામાં નવો ટુ-વ્હીલર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. આ નવો પ્લાન્ટ શરૂ થતાં કંપની વધુ મજબૂત થઈ છે. ત્રણેય પ્લાન્ટની વાર્ષિક પ્રતિ શિફટ ઉત્પાદન કેપેસિટી ૨.૫ લાખ યુનિટ છે.

ઈલેકિટ્રક વ્હીકલ ઉત્પાદકોનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અપાત સબસિડી, ગ્રાહકોમાં વધતી જાગૃતિ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને કારણે ઈલેકિટ્રક ટુ-વ્હીલરની માગ વધી છે.

વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર યતિન ગુપ્તેએ જણાવ્યું કે, 'ઈલેકિટ્રક વાહનોનું ભવિષ્ય ઉજળું હોવાનું સંભાવના છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું હોવા ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા અપાતી સબસિડીને કારણે ઈલેકિટ્રક વાહન ખરીદતાં લોકોની સંખ્યા વધી છે.' વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ આગામી છ મહિનામાં બીજા બે પ્લાન્ટ શરૂ કરવાના છે. એક પ્લાન દક્ષિણ ભારતમાં શરૂ થશે જયારે બીજો ઉત્તર અથવા પૂર્વ ભારતમાં શરૂ થશે.

(12:45 pm IST)