Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધો.૯ થી ૧૨ની બીજી અને પ્રીલીમ પરીક્ષાના પેપર શાળાઓને તૈયાર કરવાની છુટ

ધો.૯ થી ૧૨ની વાર્ષીક પરીક્ષા માટે શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરી શકશે

અમદાવાદઃ  તા.૪, ગુજરાતમાં ધો.૯ અને ધો.૧૧ની વાર્ષીક પરીક્ષા માટે શાળાઓ હવે પ્રશ્નપત્ર તૈયાર કરી શકશે. ધો. ૯ થી ૧૨ની બીજી અને પ્રીલીમ કસોટી માટે સ્કુલોને પેપર તૈયાર કરવાની છુટ આપવામાં આવી છે.

ધોરણ-૯ થી ૧૨ની જાન્યુઆરીમાં લેવાનારી બીજી કસોટી અને પ્રીલિમ પરીક્ષા માટે પણ હવે સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તેયાર કરી શકશે. પ્રથમ કસોટી માટે સ્કૂલોને પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરવાની છૂટ આપ્યા બાદ હવે બીજી કસોટી અને પ્રીલિમ પરીક્ષા માટે પણ પ્રશ્નપત્ર તૈયાર કરવાની છૂટ આપી છે. આ ઉપરાંત એપ્રિલ-૨૦૨૨માં લેવાનારી ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે પણ સ્કુલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરી શકશે. જોકે, આ બંને પરીક્ષા વખતે સ્કૂલોએ સરકાર દ્વારા બનાવેલા નવા નિયમ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે. જેમાં ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૭૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પૂછવાના રહેશે.

  શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ-૯થી ૧૨ની પરીક્ષાની પ્રવર્તમાન પધ્ધતિમાં ફેરફાર કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પધ્ધતિમાં કરવામાં આવેલા ફેરફાર અંગે વિગતવાર માહિતી તમામ   શિક્ષણાધિકારીઓ મારફ્તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ માટે પણ મોકલી દેવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફાર અનુસાર ધોરણ-૯ થી ૧૨માં ૩૦ ટકા હેતુલક્ષી અને ૭૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પુછવાનું નકકી કરાયું છે.

(11:35 am IST)