Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોરોનાની એન્ટ્રી પછી દરેક બીજો ગુજરાતી 'સરકારી અનાજ' ખાય છે

સરકારી રેકોર્ડના આંકડાથી સ્પષ્ટ થતું સગેવગેનું કૌભાંડ : સેકન્ડ વેવ પછી મફત અનાજ લેનારાની સંખ્યા ૧૩ લાખ વધ્યાનો સરકારી દાવો

અમદાવાદ તા. ૬ : ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી દરેક બીજો ગુજરાત સરકારી અનાજ મેળવી રહ્યો છે. રાજયની વસ્તી ૬.૫૦ કરોડ આસપાસની છે. તેમાંથી ૩ કરોડ ૩૦ લાખ ૨૪ હજાર અને ૮૮૧ નાગરીકોને સાવ મફતમાં પ્રતિ વ્યકિતએ પાંચ કિલો ઘંઉ- ચોખાનું વિતરણ કર્યાનો દાવો ભારત સરકાર સમક્ષ ગુજરાતે કર્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોરોનાની શરૂઆતમાં વર્ષ ૨૦૨૦ના એપ્રિલથી નવેમ્બર વચ્ચે ગુજરાતમાં ૩.૧૭ કરોડથી વધુ નાગરીકોને ૧૨.૭૬ લાખ મેટ્રીક ટન અન્ન અને ૬૫ લાખથી વધુ નાગરીકોને ૫૦,૦૨૬ મેટ્રીક ટન દાળનું મફત વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સંખ્યા કોવિડ- ૧૯ના સેકન્ડ વેવ બાદ આશ્ચર્યજનક રીતે વધી ગઈ છે. સરકારનોે દાવો છે કે, જૂલાઈથી ઓકટોબર દરમિયાન ૩ કરોડ ૩૦ લાખ ૨૪ હજાર ૮૮૧ને મફત અનાજ આપ્યુ છે. જે મફત અનાજ વિતરણની શરૂઆત કરતા ૧૩ લાખ વધારે છે. રાજયની ભાજપ સરકારે કોરોનાકાળમાં રૂ.૧૨૦૦ કરોડથી વધારે અનાજનું મફત વિતરણ કર્યાનુ વારંવાર જાહેર કર્યુ છે.

આ દાવા સામે વિપક્ષ સહિત નાગરીક અધિકાર અને ટેકસના ઉપયોગ ક્ષેત્રે કાર્યરત અનેક સ્વૈચ્છીક સંગઠનોએ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડો થયાની ફરિયાદો કરી છે. એટલુ જ નહિ, સુરત સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ૧૦૦ કરોડથી વધારે મૂલ્યનું અનાજ બારોબાર વેચી દેવાના કિસ્સા પણ પોલીસે પકડયા છે. તેવામાં સરકાર દ્વારા પ્રસિધ્ધ દસ્તાવેજમાં જાહેર થયેલા આંકડા કૌભાંડ થયાની સાબિત કરી રહ્યા છે. કારણ કે, કોરોનાકાળમાં અધિકાંશ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ- સમૃધ્ધ પરીવારોએ ગરીબોના અધિકારનું અનાજ લીધુ જ નથી !

(10:10 am IST)