Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવા અંગે ભરતસિંહ સોલંકીના નિવેદનનો બ્રિજેશ મેરજાએ આપ્યો જવાબ

મેરજાએ કહ્યું અમે કોઈ રાજકીય અવલોકનો કરવાના નથી. અને નરેશભાઈ પટેલ અમારા સમાજના સન્માનનીય નેતા છે અને રહેશે.

અમદાવાદ : રાજ્યમાં અવોર્ડ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે કંગના રનૌતને અવોર્ડ આપ્યો તો એના બદલે સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ એવા ખોડલધામના નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવો જોઇએ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આ નિવેદનનો હવે જવાબ ભાજપ મંત્રીએ જવાબ આપ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ સીધી રીતે જવાબ આપવાનું ટાળ્યું છે. બ્રિજેશ મેરજાએ નરેશ પટેલ પાટીદાર સમાજના નેતા હોવાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અમે કોઈ રાજકીય અવલોકનો કરવાના નથી. અને નરેશભાઈ પટેલ અમારા સમાજના સન્માનનીય નેતા છે અને રહેશે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની બેઠકને ઔપચારિક મુલાકાત ગણાવી હતી. મહત્વનું છે કે જાન્યુઆરીમાં ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ત્યારે તે પહેલા કોંગ્રેસના નેતા સાથેની ગુફ્તગુ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

ખોડલધામ ખાતેની મુલાકાત દરમિયાન ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી હતી.ભરતસિંહે કહ્યું હતુ કે ભાજપ સરકાર જો કંગના રાણાવતને પદ્મશ્રી આપતી હોય તો નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? નરેશ પટેલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સામાજિક અને ઘાર્મિક કામ કરે છે.સમાજમાં તેનું માન સન્માન અને પ્રતિષ્ઠા તથા મોભો છે તો તેમને પદ્મશ્રી મળવો જોઇએ તેવું જણાવ્યું હતું.

(10:30 pm IST)