Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આગામી ૧૦ વર્ષમાં ગુજરાતમાં ‘‘નવી શિક્ષણ નીતિ : ર૦ર૦’’નો અમલ કરાશે : વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરમાં NEPનો રોડ મેપ જાહેર કરાશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું:ભારતભરના તજજ્ઞ પેનેલિસ્ટ યુવા વિદ્યાર્થીઓએ ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી ર૦ર૦’’ ઉપર પોતાનાં મંતવ્યો રજૂ કર્યા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાહેર કરાયેલી ‘‘નવી શિક્ષણ નીતિ-ર૦ર૦’’નો ગુજરાતમાં આગામી ૧૦ વર્ષમાં અમલ કરવામાં આવશે. આ માટે આગામી વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘નવી શિક્ષણનીતિ -ર૦ર૦ NEP’’ નો ગુજરાતનો રોડ મેપ પણ સૌની સમક્ષ રજૂ  કરવામાં આવશે તેમ કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ ખાતે ચાલી રહેલી ‘‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧’’ને સંબોધતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
કર્ણાવતી યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧ના બીજા દિવસે આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦’’નું મહત્વ અને વર્તમાન સમયમાં જરૂરિયાત વિષયક સત્ર યોજાયું હતું. જેમાં ભારતભરના તજજ્ઞ પેનેલિસ્ટ –યુવા વિદ્યાર્થીઓ દ્વારા ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦’’ ઉપર પોતાના કિમતી મંતવ્યો રજૂ કરાયા હતા.
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં નવી યોજના અને નવી નીતિઓ તૈયાર કરીને તેનો ઝડપી અમલ થઇ રહ્યો છે તેના પરિણામો આપણે અનુભવી રહ્યા છીએ. ૩૫ વર્ષ જૂની શિક્ષણ નીતિમાં વર્તમાન જરૂરિયાત મુજબ બદલાવ લાવવાનું ભગીરથ કાર્ય હાલની કેન્દ્રની સરકાર કરી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ અન્ય રાજ્યોની તુલનામાં નવી શિક્ષણ નીતિના અમલમાં અગ્રેસર રહેશે. આ નવી શિક્ષણ નીતિની તમામ રાજ્યો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે આ નીતિથી બાલવાટીકાથી કોલેજના શિક્ષણમાં ખૂબ મોટો બદલાવ આવશે અને તેના પરિણામે દેશભરના યુવા વિદ્યાર્થીઓ પોતાની કુશળતા મુજબ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યકત કર્યો હતો.
શિક્ષણ મંત્રીએ આ પ્રસંગે અમદાવાદમાં આવેલી વર્લ્ડ બેસ્ટ ‘‘સાયન્સ સિટી’’ તેમજ ગાંધીનગરમાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-CCCની મુલાકાત લેવા તેમજ એજ્યુકેશન હબ એવા ગુજરાતમાં શિક્ષણ લઇને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા યુથ પાર્લામેન્ટમાં ભાગ લઇ રહેલા દેશભરના યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, ગાંધીનગર ખાતે યોજાયેલી યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં આજે નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦ ઉપર ભારતભરમાંથી આવેલ વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત પેનેલિસ્ટ અને દિલ્હીના ધારાસભ્ય અતિશિ મારલેના, ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનિલ દેવધર, ભાજપ યુવા નેતા ઋત્વિજ પટેલ, વન ગ્લોબલ ફોરમના ચેરમેન ર્ડા. દલબીર સિંઘ, ઇન્ડિયન પબ્લિક પોલિસી ફાઉન્ડેશનના સ્થાપક સુપર્ણો મોઇત્રા, એન્સિયેન્ટ વૈદિક સ્ક્રિપટર્સના વક્તા-લેખક દુષ્યંત શ્રીધર, ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. ભગવતી પ્રકાશ શર્મા તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાના વિચારો રજૂ કરીને દેશને નવી શિક્ષણ નીતિની જરૂરિયાત, તેનું વર્તમાન મહત્વ અને વ્યક્તિ ઘડતર કે રાષ્ટ્ર ઘડતરમાં નવી શિક્ષણ નીતિની ભૂમિકા સહિતના વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

(7:16 pm IST)