Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નીરજ ચોપડાની અમદાવાદ મુલાકાતને વખાણી

આવા પ્રયાસ રમતગમતને પ્રોત્સાહન આપશે : મોદી : સંસ્કારધામ શાળામાં પહોંચેલાં નીરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે વિવિધ રમતો રમ્યા અને ટિપ્સ પણ આપી હતી

અમદાવાદ, તા.૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાની અમદાવાદ મુલાકાત અંગે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં પીએમ મોદીએ ગુજરાતની એક શાળામાં ભાવિ ચેમ્પિયનને તાલીમ આપવાની કેટલીક મહાન ક્ષણો ટ્વીટ કરી છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરવા અને તેમને રમતગમત અને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવા બદલ ગોલ્ડન બોય નિરજ ચોપડાની પ્રશંસા કરી છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ શનિવારે ભારતના ટોચના એથલિટને શાળાના બાળકો સાથે જોડાઇને ખુબ જ મહત્વકાંક્ષી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. અમદાવાદની સંસ્કારધામ શાળામાં ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ૭૫ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમા નીરજે તેઓને બેલેન્સ્ડ ડાયેટ, ફિટનેસ અને સ્પોર્ટ્સના મહત્વ અંગે સમજણ આપી હતી. અમદાવાદની સંસ્કારધામ શાળામાં પહોંચેલાં નીરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રકારની રમતો રમ્યા હતા અને તેમને જેવલિન થ્રોની રમત વિશે કેટલીક ટિપ્સ પણ આપી હતી.

તેમણે સંતુલિત આહાર, તંદુરસ્તી અને રમતગમતના મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોના સહજ જવાબો આપીને તેમનામાં રોમાંચ જગાવી દીધો હતો, તેમની વાત કહેવાની અજોડ શૈલીએ નાના ભૂલકાઓને મજા પડી ગઈ હતી, અને નીરજ નાના ભૂલકાઓનો પ્રિય બની ગયો હતો.

નીરજનું મનગમતું ભોજન કયું છે, તેવા પ્રશ્નનો જવાબ આપતા ઉપસ્થિત લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ ઉત્તરમાં તેમણે કેવી રીતે મસાલાનો ઉપયોગ કર્યા વગર વેજિટેબલ બિરિયાની બનાવવાનું અને દહીં સાથે આરોગવાનું તેમને ગમે છે તેનું વર્ણન કર્યું હતું. તે

તેમણે કહ્યું હતું કે, આ એક આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે જેમાં શાકભાજી અને કાર્બોહાઇડ્રેટ્સના યોગ્ય મિશ્રણના કારણે ખનીજતત્વો રહેલા છે. તેમણે ઉમર્યું હતું કે, રાંધવાથી તેમનું મન લાંબો સમય તાલીમના સત્રમાં લાગેલા થાકથી અન્ય દિશામાં વળે છે.

(8:58 pm IST)