Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રાજય પોલીસ ખાતામાં ૧૨ હજાર જગ્યાને ટૂંકમાં ભરાશે

વિવિધ કેડરની પરીક્ષામાં વેઇટિંગ લિસ્ટ બનશે : લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડીને જિલ્લા ફાળવણી કરી દેવાઈ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ, તા. : લોક રક્ષક ભરતી મામલે આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગો(કેડર)ની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવાશે. સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવે છે, પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં એકથી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવ્યું હતું.

          આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆતો થતા મુખ્યમંત્રીએ યુવાનોને સરકારી સેવામાં તક મળે માટે નિયમમાં છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ખાસ કિસ્સામાં વેઇટીંગ લીસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. તે રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણીવાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે.

         તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં લેવામાં આવેલી પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે. જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે .૨૦ લાખથી વધુ યુવાઓ જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરી નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. તેમજ, ,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવનાર છે.

(8:50 pm IST)