Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સરકારને મગફળી વેચવામાં ખેડૂતોને રસ નહિ ? ૬૭,૦૦૦ ખેડૂતોને બોલાવ્યા, આવ્યા ૩૩,૦૦૦

હવેથી રોજ ૬૦ના બદલે ૯૦ થી ૧૦૦ મેસેજ કરવાનો નિર્ણય : ભેજના કારણે મગફળી નહિ વેચી શકેલા ખેડૂતોને ફરી જાન્યુઆરીમાં તક

રાજકોટ તા.૬: રાજય સરકારે ૧૩૪ કેન્દ્રો પરથી ગઇ તા.૧૮ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છે. સરકારને મગફળી વેચવામાં ખેડૂતોને ઉત્સાહ ન હોય તેવુ આંકડાકીય માહિતી પરથી જણાય છે. કુલ ૪,૭૧,૦૦૦ જેટલી ખેડુતોની ઓનલાઇન નોંધણી થઇ છે. જેમાંથી અત્યાર સુધીમાં રાજયમાં ૬૭ હજાર જેટલા ખેડૂતોને બોલાવાયા છે. તે પૈકી અડધા એટલે કે ૩૩ હજાર જેટલા ખેડૂતો જ આવ્યાનું જાણવા મળે છે. તે પૈકી ૩૦૪૦૦ જેટલા ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવી છે.

આજે મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સમાં આ મુદ્દે સમીક્ષા કરી ખેડૂતોને બોલાવવાની સંખ્યા વધારવા સૂચના આપતા હવેથી રોજ ૬૦ના બદલે ૯૦ થી ૧૦૦ જેટલા એસ.એમ.એસ. અને ફોન કરવાનું નક્કી થયુ છે. ખેડુતોની મગફળીમાં વધુ ભેજ લાગી જવાથી અથવા સરકાર સિવાઇની સંસ્થા કે વ્યકિતને વેચી દેવાના વલણથી ટેકાના ભાવે મગફળી વેચવાનું પ્રમાણ ઘટયાનું તારણ નીકળે છે. દરેક કેન્દ્ર પર ૬૦ જેટલા ખેડુતોને રોજ બોલાવવામાં આવે છે તે પૈકી ૩૦ થી ૪૦ જ આવે છે. હવેથી મેસેજ મોકલવાની સંખ્યા વધારાશે. જે ખેડૂતોની મગફળી ભેજના કારણે જે તે વખતે રદ થઇ છે. તેમને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ફરીથી તક આપવાનું નક્કી થયાનું નાગરિક પુરવઠા નિગમના વર્તુળો જણાવે છે. ખેડુતો મગફળી સરકારને વેચે કે ખાનગી રાહે વેચે પણ યોગ્ય ભાવ મળે તે સરકારનો હેતુ છે.

(3:45 pm IST)