Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

વિવિધ પ્રકારના આંદોલનોથી ઘેરાતી ગુજરાત સરકાર

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોનું પ્રભાવક આંદોલનઃ સોમવારથી મહેસુલી કર્મચારીઓની હડતાલઃ સોમવારે પંચાયતના આરોગ્ય કર્મચારીઓ સામુહિક રજા પર-રેલીઃ તલાટીઓ દ્વારા રેવન્યુ કામગીરીનો બહિષ્કાર

રાજકોટ તા. ૬ : રાજ્યની રૂપાણી સરકાર સામે એક પછી એક આંદોલનો શરૂ થઇ રહ્યા છે. સરકારી કર્મચારીઓના અને બિનસરકારી લોકોના આંદોલનો આગળ વધે તો સરકાર માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થયાના આરોપસર ૩ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. સરકારે 'સીટ'ની રચના કરી પછી પણ આંદોલન પુરૂ થયુ નથી. જો પરીક્ષા રદ થાય તો સરકારનો ફજેતો થાય તેમ છે. રદ ન થાય તોઉમેદવારોની નારાજગી દૂર કરવી અશકય જેવી બાબત છે.

મહેસુલી કર્મચારીઓએ પોતાના પ્રશ્નો માટે તા.૯મીથી હડતાલનું એલાન કર્યુ છે.

પંચાયતના તલાટીઓએ ઓનલાઇન હાજરીની સિસ્ટમના વિરોધમાં ધોકો પછાડયો છે. રજા કપાતની સરકારની કાર્યવાહીને અવગણીને તલાટીઓએખેડુતલક્ષી  સીવાઇની મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે.એવુ આંદોલન પંચાયતોના આરોગ્ય કર્મચારીઓનું છે.

આરોગ્ય કર્મચારીઓએ પોતાના પ્રશ્નો માટે સોમવારે સામુહિક રજા રાખી જિલ્લાવાર રેલી.ધરણા કરવાનું જાહેર કર્યુ છે.

એક જ અરસામાં જુદા જુદા આંદોલનોના નગારા ધણધણ્યા તે જોગાનુંજોગ છે કે કેમ ? તેવી લોકોમાં ચર્ચા જાગી છે. ગુજરાતના પ્રવર્તમાન રાજકીય માહોલમાં કયાં આંદોલનમાં કોનું 'પીઠબળ' તે બાબતે જાતજાતની ચર્ચા શરૂ થઇ છે. આંદોલનોથી ઘેરાઇ રહેલી સરકારનો હવે પછીનો અભિગમ નિર્ણાયક બનશે.

(1:03 pm IST)