Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પરીક્ષા ગેરરીતિ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ હવે પ્રતિક ઉપવાસ પર

પરીક્ષામાં ગેરરીતિના મામલે મેવાણી-હાર્દિક સાથે : હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ આંદોલનકારીઓને સમર્થન જાહેર કર્યું : ધારાસભ્યો-આગેવાનો પણ ઉપસ્થિત

 અમદાવાદ, તા. : બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે આજે પણ આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે. તેમજ આંદોલનને રાજકીય આગેવાનોનો પણ ટેકો મળી રહ્યો છે. જેને પગલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. દરમ્યાન અન્ય ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ અને વડગામના અપક્ષ ધારાસભ્ય તેમ દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી એક મંચ પર સાથે આવ્યા હતા અને બંનેએ આંદોલનકારીઓની લડતને સમર્થન જાહેર કર્યું હતું. મેવાણી અને હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ પર ઉતરતાં રાજકારણ ગરમાયું હતું.

             ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગાંધીનગરમાં આંદોલનકારીઓને મળવા ગયેલા હાર્દિક પટેલનો હુરિયો બોલાવી ધક્કે ચઢાવાયા હતા તો બીજીબાજુ, સરકારે પણ આંદોલનકારી ઉમેદવારોને કોંગ્રેસ કે રાજકીય નેતાઓના હાથા નહી બનવા અનુરોધ કર્યો હતો. જેને લઇને હવે સમગ્ર વિવાદ વકરી રહ્યો છે ત્યારે આજે મેવાણી પણ ચિત્રમાં આવ્યા હતાહાર્દિક પટેલે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, લોકતંત્રમાં માથાંઓની કિંમત હોય છે એટલે આપણે ભેગા થઈને લડવું પડશે. સરકાર ત્યારે વાત સાંભળશે જો એમને વોટ ગુમાવવાની ચિંતા થશે. સરકાર સામે લડી લેવામાં અમે તમારી સાથે છીએ. છેલ્લાં ૧૫-૨૦ વર્ષમાં ગુજરાતમાં લડવાની તાકાત ઓછી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરી ન્યાય આપવાની ખાતરી ઉચ્ચારી છે, પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાને રદ કરવાની માંગણી પર અડગ છે. આંદોલનના બીજા દિવસે મોડી રાત્રે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ આંદોલનકારી વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા. આક્ષેપોનો મારો પર રહ્યો હતો.

(8:55 pm IST)