Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ : 33 જિલ્લા 33 પ્રતિનિધિ : આજથી પરીક્ષાર્થીઓના પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસ જોડાયું

પરીક્ષાર્થીઓની લડતને કોંગ્રેસ આગળ ધપાવશે: કોંગ્રેસ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવશે

ગાંધીનગરમાં આંદોલનકારી પરીક્ષાર્થીઓ સાથે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહીત પાંચ ધારાસભ્યો જોડાયા. આજથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસનો જંગ જારી કરી દેવામાં આવ્યો છે. બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં ઉમેદવારોમાં બે ફાંટા પડી ગયા હતા જેમાં યુવરાજસિંહ જાડેજા સરકાર પક્ષે બેસી ગયા હતા જ્યારે બીજા પરીક્ષાર્થીઓ પોતાની પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને અડગ રહ્યા હતા.

 કોંગ્રેસ આ ઉમેદવારોને સાથ આપવાનું વચન આપી તેમના સહયોગમાં જોતરાઈ ગયુ છે. વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી ધરણા કરી રહ્યા છે ત્યારે આજથી પરીક્ષાર્થીઓ ઉપવાસ ઉપર બેઠા છે. આ ઉપવાસમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહિતાના આગેવાન નેતાઓ તેમના સહકારમાં આગળ આવ્યા છે

  બિન સચિવાલય પરીક્ષા કોભાંડ મામલે કોંગ્રેસ 33 જિલ્લામાંથી 33 પ્રતિનિધિઓ પ્રતિક ઉપવાસ આદરશે. અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓ ઉપવાસમાં જોડાશે. પરીક્ષાર્થીઓની લડતને કોંગ્રેસ આગળ ધપાવશે. વિખેરાઇ રહેલા આંદોલનને વિપક્ષે બળ પુરુ પાડ્યું છે.

   કોંગ્રેસે આ આંદોલનને પીઠબળ પુરુ પાડ્યુ છે. પરેશ ધાનાણી આખી રાત પરીક્ષાર્થીઓ સાથે જ રહ્યા હતા તેમને જમાડી તેમની સાથે જ સુઈ ગયા હતા. આ રીતે પ્રજાના નેતા તરીકેની છાપ ઉભી કરી હાલ કોંગી નેતા ઉમેદવારોના ખભે ખભો મિલાવીને ઉભા છે ત્યારે ગુજરાત સરકાર માટે આ મુદ્દો મોટો બની શકે તેમ છે. 9 તારીખે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની પણ વાત કરી છે.

(12:50 pm IST)