Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

દિવ્યાંગોને તાલીમ આપતી સંસ્થા સાથે અન્યાય મામલો હાઇકોર્ટમાં જતાં રાજ્ય સરકારને નોટીસ ફટકારી

અમદાવાદ ,તા.૬: દિવ્યાંગોને શિક્ષણ સહિતની તાલિમ આપતી સંસ્થાઓ સાથે રાજય સરકાર અન્યાય કરી રહી હોવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે વસ્ત્રાપુર સ્થિત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સહિતની ચાર સંસ્થાઓએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવો દાવો કર્યો છે કે તેઓ ૧૦૦ ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ છે. તેથી તેમાં સ્ટાફ સહિતની ભરતીઓ માટેની મંજૂરીઓ સરકાર આપે છે અને તે મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવે છે. આવી અનેક ભરતી માટેની અરજીઓ સરકારે મંજૂર કરી નથી અને એટલું જ નહીં છઠ્ઠા અને સાતમાં પગારપંચનો અમલ થતાં વિવિધ ખાલી પોસ્ટ માટેની ભરતીઓ સાગમટે રદ કરવાનો હુકમ કર્યો છે. જેથી દિવ્યાંગોના હિતનું કાર્ય કરતી સંસ્થાઓને પોતાના પૈસે સ્ટાફ રોકવાની ફરજ પડી રહી છેઆ કેસમાં જસ્ટિસ કારિયાએ રાજય સરકારને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી ૧૮મી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશને એડવોકેટ મુંજાલ ભટ્ટ મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી છે. જેમાં બ્લાઇન્ડ પિપલ્સ એસોસિયેશનના એકિઝકયુટિવ સેક્રેટરી ભૂષણ પુનાણીએ એવી રજૂઆત કરી છે કે,'બ્લાઇન્ડ પીપલ્સ એસો. સહિતની અરજદાર સંસ્થાઓ ૧૦૦ ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ છે. પરંતુ સરકારે આ સંસ્થાઓમાં ખાલી પોસ્ટ માટેની ભરતીઓનો સંપૂર્ણપણે છેદ જ ઉડાડી દીધો છે.

દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રોજેકટ્સ આવી શાળાઓમાં ચલાવવામાં આવે છે. જે માટે વિશિષ્ટ શિક્ષા પ્રાપ્ત શિક્ષકોથી માંડીને અન્ય સ્ટાફની જરૂર સમયાંતરે પડતી હોય છે. કોઇ સ્ટાફ નિવૃત થાય અથવા કોઇનું મૃત્યુ થાય તો નવી ભરતી માટે સરકાર સમક્ષ અરજી કરીને મંજૂરી માગવામાં આવે છે. જે મંજૂરી સરકાર તરફથી મળતા સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવે છે. અરજદાર સંસ્થા દિવ્યાંગો માટે મેન્ટલ હાઇજિન કિલનિક, ડિસએબલ્ડ અને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે હોસ્ટેલ અને મલ્ટી ડિસેબલ્ડ છોકરીઓ માટેનું હોસ્ટેલ જેવા પ્રોજેકટ્સ ચલાવે છે. આ ત્રણેય પ્રોજેકટસ માટે શિક્ષક, પટાવાળા સહિતની વિવિધ પોસ્ટ્સ ખાલી છે અને તેમ છતાંય સરકારે તેની ભરતી માટેની મંજૂરી આપી નથી.'

(11:43 am IST)