Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાવવા વિદ્યાર્થીઓ મક્કમ : આંદોલનને કોંગ્રેસનો ખુલ્લો ટેકો : વિધાનસભામાં પ્રસ્તાવ લવાશે

મોડીરાત્રે અમિત ચાવડા,પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ આંદોલનકારીઓની મુલાકાત લીધી

 

ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે વિવાદ યથાવત રહયો છે સરકારે SITની રચના કરી છે,જોકે પરીક્ષાર્થીઓ પોતાની માંગ સાથે અડગ છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સરકાર સાથે સમાધાન કરી લેતા તે પ્રદર્શન સ્થળેથી ભાગી ગયો હતો.બીજી તરફ પોતાના ન્યાયની માંગ સાથે અડગ રહેલા પરીક્ષાર્થીઓની વહારે હવે કોંગ્રેસ આવ્યુ છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પરીક્ષાર્થીઓને ટેકો જાહેર કર્યો હતો. હવે હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રદર્શન સ્થળે પહોચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યુ હતું.

પરેશ ધાનાણીએ કહ્યું કે, ‘તમારી લાગણી અને અમારી જન વેદનાની માંગણી એક છે. પરીક્ષા રદ કરવામાં આવે. તમારી સાથે રમવાનો કોઇને હક નથી, તમારૂ ભવિષ્ય સુનિશ્ચિત થાય એટલે તમે પરીક્ષા આપતા હોય ત્યારે સરકાર પેપર ફોડીને તમારી સાથે અન્યાય કર્યો છે. ફરી પરીક્ષા લઇ, મળતીયાઓને નહી મેરીટવાળાને તક આપવામાં આવે’.બિન સચિવાલયની પરીક્ષા રદ થવી જોઇએ અને અનીતિ કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ.

અમિત ચાવડા કહ્યું કે તમારા આંદોલનને પ્રમુખ તરીકે અને કોંગ્રેસ પક્ષ સાથે ટેકો આપું છું.તમારા ન્યાય માટે આવીને બેઠા છીએ, અને તમને ન્યાય જો મુખ્યમંત્રી આવીને આપશે તો અમે હાર પહેરાવીને સ્વાગત કરીશું.અમે તમારી વાતને સમગ્ર કોંગ્રેસ પક્ષ ટેકો કરે છે અને અમે આવતી 9 તારીખે તમારા હક અધિકારની લડત લડવા માટે આમંત્રણ આપીએ છીએ.અમિત ચાવડાએ સમગ્ર ગુજરાતના યુવાનોને ગાંધીનગર આંદોલનમાં આવીને ઉમેદવારોને સમર્થન આપવા જણાવ્યુ છે.અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ કે પરીક્ષા રદ કરવા અંગેનો કોંગ્રેસ વિધાનસભામાં પ્રસ્તાવ લાવશે.

(12:06 am IST)