Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અસિત વોરાના ઘરની બહાર NSUI કાર્યકરોના દેખાવો

એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરાઈઃ પરીક્ષા વિવાદમાં એનએસયુઆઇને કોંગીનું સમર્થન મળ્યું

અમદાવાદ, તા.૫: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગાંધીનગર ખાતે એક તરફ જ્યાં ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ એનએસયુઆઇના કાર્યકરો દ્વારા સવારે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના મણિનગર સ્થિત ઘરની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇના કાર્યકરો દ્વારા ઉમેદવારોની પરીક્ષા રદ કરવાની માંગણીમાં સૂર પૂરાવી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારે હોબાળા અને દેખાવો બાદ પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી હતી.  બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિવાદમાં આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના મણિનગર વિસ્તારમાં આવેલા ઘરની બહાર એનએસયુઆઇના સંખ્યાબંધ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. કાર્યકરોએ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરો, ગેરરીતિ આચરનારા તત્વો સામે આકરા પગલાં લો સહિતના જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને અસિત વોરા હાય હાય ના નારા લગાવ્યા હતા. જેને લઇ સમગ્ર વાતાવરણ ગરમાયુ હતું. એનએસયુઆઇના કાર્યકરોના હોબાળા અને ઉગ્ર દેખાવોને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ વાનમાં બેસાડયા હતા અને પોલીસમથકે લઇ જવાયા હતા. બાદમાં તેઓને ઔપચારિકતા પૂર્ણ કરી મુકત કરાઇ હતી.

(10:25 pm IST)