Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

LRD પરીક્ષાની નવી તારીખ જાહેર

૬ જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા

અમદાવાદ તા. ૬ : ગત રવિવારે પેપર લીકના કારણે રદ્દ કરાયેલી લોક રક્ષક દળની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. બુધવારે ગાંધીનગર ખાતે યોજાયેલી ત્રણ અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, આ પરીક્ષા ૬ જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું, આ વખતે પરીક્ષાના આયોજનમાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે.

નવી પરીક્ષા તારીખ માટે યોજાયેલી આ બેઠકમાં રાજયના મુખ્યમંત્રીના અગ્ર સચિવ, DGP શિવાનંદ ઝા, પરીક્ષા ભરતી બોર્ડ અધ્યક્ષે હાજરી આપી હતી. આ બેટકમાં ત્રણેય અધિકારીઓ અગાઉની જેમ આ વખતેની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે અંગે રણનીતિ પર પરામર્શ કર્યો હતો.

અગાઉ ૨ ડિસેમ્બરે પરીક્ષા ગણતરીના કલાકો અગાઉ જ પેપર લીકની વાત સામે આવતા હોબાળો મચી ગયો હતો. લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા તાત્કાલિક પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. આને કારણે પરીક્ષાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયાથી માંડી દરેક પ્લેટફોર્મ પર આ બાબતે લોકોનો રોષ ભભૂકયો હતો અને સરકારે નજીકના સમયમાં પરીક્ષા યોજવાનો દાવો કર્યો હતો.

મંગળવારે ગાંધીનગર પોલીસે LRD પેપર લીક પાછળ દિલ્હીની એક ગેંગનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ કૌભાંડ મુદ્દે પોલીસ અત્યાર સુધી કુલ ૮ લોકોની ધરપકડ કરી ચૂકી છે.

સમગ્ર ગુજરાતમાં લોકરક્ષક દળની કુલ ૯૭૦૦ પદોની ભરતી બહાર આવી છે જેના માટે ૮.૭૫ લાખ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આ ભરતી પ્રકિયાની પરીક્ષા માટે ગુજરાતમાં ૨૪૪૦ સેન્ટરની પસંદગી કરાઈ હતી.

(12:18 pm IST)